Last Updated on by Sampurna Samachar
આશરે ૪૭ હજાર કારીગરો બેરોજગાર બન્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હીરા ઉદ્યોગમાં મંદીથી અમરેલીમાં હીરાના ૫૦૦ જેટલા કારખાનાંને તાળાં લાગ્યા છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર બન્યા છે. આશરે ૪૭ હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા છે. મળતી માહિતી મુજબ, કેટલીક જગ્યાએ કારખાના ૧૨ કલાકની જગ્યાએ ૬ કલાક ચાલે છે. પહેલાની સરખામણીએ હીરા કારીગરોને પગાર ઓછો અપાય છે.
સુરતમાં સૌથી વધારે હીરાના વેપાર થાય છે. સૌરાષ્ટ્રના અનેક શહેરમાં હીરાના નાના મોટા કારખાના આવેલા છે. અમરેલી જિલ્લામાં એક સમયે ૧૨૦૦ કારખાના હતાં. જોકે હીરા ઉદ્યોગમાં મંદી આવતા હાલ અમરેલીમાં ૯૦૦ કારખાના રહ્યાં છે, જેમાં ૫૦ હજાર જેટલા કારીગરો કામ કરે છે. ફરીવાર મંદી દેખાતા અમરેલી જિલ્લામાં ૫૦૦ જેટલા કારખાનાને તાળા લાગી ગયા છે. દિવાળી પહેલા કારખાનાઓ બંધ થયા પછી લાભપાંચમ બાદ પણ કારખાના શરૂ ન થતાં રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે.
દિવાળીના તહેવાર બાદ લાઠી, અમરેલી, બાબરા, બગસરા, સાવરકુંડલા સહિતના તુલાકાના નાના મોટા હીરાના કારખાનાના ધંધા પર મોટી અસર પડી છે. અહીં ખેતી બાદ લોકો હીરા ઉદ્યોગ પર નભે છે. હાલ રત્ન કલાકારોની રોજગારી પર સવાલ ઉભો થયો છે. જિલ્લાના ૪૭૦૦૦ કારીગરો કેવી રીતે આવક મેળવશે તે મોટો સવા લસર્જાયો છે. આ કારણે યુવકો પણ ખેતીના માર્ગે વળી ગયા હોવાનું મનાય છે.