Last Updated on by Sampurna Samachar
દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ
ગૃહમંત્રી અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહે તેમના ખાનગી નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં આતંકવાદી હુમલાની તપાસની પ્રગતિ અને દેશભરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં NIA ના ડિરેક્ટર જનરલ, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર, ગૃહ સચિવ અને દિલ્હી પોલીસ કમિશનર હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય રાજધાની અને અન્ય મુખ્ય શહેરોમાં વર્તમાન સુરક્ષા પરિસ્થિતિની વિગતો રજૂ કરવામાં આવી હતી. શાહે અધિકારીઓને કડક સુરક્ષા પગલાં અમલમાં મૂકવા અને સંવેદનશીલ સ્થળોએ તકેદારી વધારવા નિર્દેશ આપ્યો હતો.
શાહે બે સુરક્ષા સમીક્ષા બેઠકો યોજી
ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતનો નિર્ધારિત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. ભાજપના અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ અને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૫નું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ હવે તેઓ હાજરી આપશે નહીં. એવું માનવામાં આવે છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ ગંભીર સુરક્ષા પરિસ્થિતિને કારણે તેમણે દિલ્હીમાં જ રહેવાનો ર્નિણય લીધો છે.
સોમવારે સાંજે લાલ કિલ્લા નજીક કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૨ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘટના પછી તરત જ, અમિત શાહે સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા એજન્સીઓને તપાસ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. શાહે બે સુરક્ષા સમીક્ષા બેઠકો પણ યોજી હતી.