Last Updated on by Sampurna Samachar
રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહને કરી ચેલેન્જ
સંસદમાં અમિત શાહ માનસિક દબાણમાં જોવા મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમિત શાહે ન તો સીધા તેમના પ્રશ્નોના જવાબ આપ્યા કે, ન તો કોઈ પુરાવા આપ્યા. આ સાથે તેમણે દાવો કર્યો કે, શાહ ગભરાઈ ગયા હતા અને સંસદમાં તેમનું વર્તન સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેઓ માનસિક દબાણમાં હતા.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સંસદમાં અમિત શાહનું વર્તન અસામાન્ય હતું. તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. આ વાત સમગ્ર સંસદે જોઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે ગૃહમાં અમિત શાહને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો કે, તેઓ પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા આવે, પરંતુ, શાહે આ પડકારનો જવાબ આપ્યો ન હતો.
ઇતિહાસમાં કોઈ પણ વડા પ્રધાને આવું કર્યું નથી રાહુલ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના “પ્રોજેક્ટ” ના ભાગ રૂપે વિવિધ સંસ્થાઓ અને ચૂંટણી પંચ પર કબજો કરવામાં આવ્યો હતો. ચૂંટણી સુધારા પર લોકસભાની ચર્ચામાં ભાગ લેતા, તેમણે પ્રશ્ન કર્યો કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ કેમ કરવામાં આવ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે, આ સરકારે ડિસેમ્બર ૨૦૨૩ માં કાયદો બદલ્યો, જેથી ચૂંટણી કમિશનરને તેના ર્નિણયો માટે સજા ન થઈ શકે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, ઇતિહાસમાં કોઈ પણ વડા પ્રધાને આવું કર્યું નથી. તેમણે કહ્યું કે, જો મતનો જ અર્થ રહેતો નથી, તો લોકસભા, વિધાનસભા કે પંચાયતનું અસ્તિત્વ બંધ થઈ જશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધતા, કોંગ્રેસના નેતાએ કહ્યું કે, મહાત્મા ગાંધીની હત્યા પછી, તેમના પ્રોજેક્ટનો આગળનો ભાગ ભારતના સંસ્થાકીય માળખા પર કબજો કરવાનો હતો.