શકમંદોની બ્રેથ એનેલાઈઝરથી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર થર્ટી ફર્સ્ટને લઈ સુરક્ષામાં વધારો કરાયો છે અને દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અમીરગઢની રાજસ્થાનની સરહદને જોડતી અતિસંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પર આવનારી થર્ટી ફર્સ્ટને લીધે કોઇ નશીલા પદાર્થો ગુજરાતમાં ન ઘૂસાડવામાં આવે એ હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
DGP ગુજરાતના આદેશને પગલે બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર ૨૩ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર બે પોલીસ સબ ઇન્સ્પેકટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચૂસ્તપણે ૨૪ કલાક વાહન ચેકિંગ કરી રહી છે. રાજસ્થાનથી આવતી નાની ગાડીઓમાં આવતા શકમંદોની બ્રેથ એનેલાઈઝરથી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવાર નવાર વિદેશી દારૂ અને ડ્રગસ જેવા નશીલા પદાર્થો પકડવામાં આવે છે ત્યારે આગામી થર્ટી ફર્સ્ટમાં આવી કોઇ ગુનાહિત પ્રવૃતિઓને અંજામ ન આપે એ માટે પોલીસ કામગીરી કરી રહી છે.