Last Updated on by Sampurna Samachar
તેલંગાણા ભવનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં દાવો
I.N.D.I.A ગઠબંધનમાંથી કુલ ૧૫ મત મળ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું હોવાના દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિણ રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. BRS ધારાસભ્ય કૌશિક રેડ્ડીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ મુદ્દે ચોંકાવનારો દાવો કર્યો છે.
તેમણે આરોપ મૂક્યો છે કે, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના કહેવા પર તેલંગાણાના આઠ કોંગ્રેસ સાંસદોએ એનડીએ ઉમેદવારના પક્ષમાં મત આપ્યો હતો. તેલંગાણા ભવનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ દાવો કરવામાં આવ્યો હતો.
ત્રણ કોંગ્રેસ સાંસદોએ કરી વાત
કે. ચંદ્રશેખર રાવના પક્ષ BRS ના ધારાસભ્ય કૌશિક રેડ્ડીએ જણાવ્યું કે, I.N.D.I.A ગઠબંધનમાંથી કુલ ૧૫ મત મળ્યા હતા. જેમાં આઠ તેલંગાણા કોંગ્રેસના સાંસદ હતા. આઠ સાંસદોએ એનડીએના પક્ષમાં મત આપ્યો હતો. તેમને આમ કરવા માટે આદેશ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આપ્યો હતો. ઉલ્લેખનીય છે, એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને બહુમતિ સાથે જીત મેળવી હતી. જ્યારે I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ કારમી હારનો સામનો કર્યો હતો.
કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીથી અંતર જાળવ્યું હતું. આ પાર્ટીના ધારાસભ્ય કૌશિક રેડ્ડીએ જાહેરમાં આ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વિપક્ષને ૩૧૫ મત મળવાનો દાવો કર્યો હતો. પરંતુ I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૩૦૦ મત જ મળ્યા હતા.
૧૫ સાંસદોએ પક્ષ પલટો કર્યો હતો. રેડ્ડી અનુસાર, તેલંગાણા કોંગ્રેસના આ સાંસદોએ કેન્દ્રીય મંત્રી ર્નિમલા સીતારમણ, નીતિન ગડકરી અને લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ એનડીએ ઉમેદવારના પક્ષમાં મતદાન કરાવવાનો હતો. આ બધુ સીએમ રેવંત રેડ્ડી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની ગુરૂ-શિષ્યની જોડીએ કરાવ્યું હતું. રેવંત રેડ્ડી ૨૦૧૬ સુધી તેલુગૂ દેશમ પાર્ટીમાં હતાં.
કૌશિક રેડ્ડીએ દાવો કર્યો હતો કે, પ્રદેશના ત્રણ કોંગ્રેસ સાંસદોએ પણ આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, એક બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાત-દિવસ વોટ ચોરીની નારેબાજી કરે છે. જ્યાં બીજી તરફ રેવંત રેડ્ડી તેલંગાણાના પુત્રે I.N.D.I.A ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સાથે આટલી મોટી છેતરપિંડી કરી નાખી.