Last Updated on by Sampurna Samachar
વધુ એક વાર ડોનાલ્ડ ટ્રમ્પે ભારત , ચીન અને બ્રાઝિલનુ નામ લઇ આપી ધમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત અમેરિકાના હિતમાં ટેરિફ લાદવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘જે દેશ અમેરિકાને નુકસાન પહોંચાડશે તેના પર અમે ટેરિફ લગાવીશું.’ ભારત, ચીન અને બ્રાઝિલનું નામ લેતા તેમણે કહ્યું કે, આ દેશો અમેરિકા પર સૌથી વધુ ટેરિફ લગાવે છે.
ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘અમે એવા દેશો પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છીએ જેઓ અમને નુકસાન પહોંચાડશે. જોકે, આ દેશો પોતાના માટે સારું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેનાથી નુકસાન થઈ શકે છે.’
કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘અમે વિદેશી દેશો અને એવા લોકો પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છીએ જેઓ ખરેખર અમને નુકસાન પહોંચાડવા માંગે છે. તેઓ આપણને નુકસાન પહોંચાડવા માંગે છે પરંતુ તેઓ મૂળભૂત રીતે પોતાના દેશને સારો બનાવવા માંગે છે. ચીન એક જબરદસ્ત ટેરિફ નિર્માતા છે. આ યાદીમાં ભારત, બ્રાઝિલ અને બીજા ઘણા દેશો છે. પરંતુ અમે હવે એવું થવા નહીં દઈશું કારણ કે હવે અમે અમેરિકાને સૌથી પહેલા રાખવા જઈ રહ્યા છીએ.’
ટ્રમ્પે અમેરિકાને ખૂબ જ ઝડપથી વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે ખૂબ જ ન્યાયી વ્યવસ્થા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, અન્ય દેશોને સમૃદ્ધ બનાવવા માટે આપણા નાગરિકો પર કર લાદવાને બદલે હવે અમે અમારા નાગરિકોને સમૃદ્ધ બનાવવા માટે વિદેશી દેશો પર કર લગાવીશું. જો ભારત, ચીન કે બ્રાઝિલની કંપનીઓ ઊંચા ટેરિફથી બચવા માંગતી હોય તો તેમણે અમેરિકામાં પોતાના પ્લાન્ટ સ્થાપવા પડશે.’