રન-વેની જગ્યાએ રસ્તા પર વિમાન ઉતારી જતા દોડધામ મચી
દુર્ઘટનામાં ૪ લોકો ઈજાગ્રસ્ત થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ટેક્સાસમાં એક પ્લેન લેન્ડિંગ સમયે રનવેના બદલે રસ્તા પર ઉતરી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. રસ્તા પર લેન્ડિંગ કરતાં જ વિમાનના બે ટુકડાં થઈ જતાં અફરાતફરી મચી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા. રસ્તા પર લેન્ડિંગ સમયે વિમાને અનેક કારને પણ અડફેટમાં લીધી હતી. દક્ષિણ ટેક્સાસના વિક્ટોરિયા શહેરમાં સ્ટેટ હાઈવે પર આ દુર્ઘટના બની હતી.વિક્ટોરિયા પોલીસ વિભાગના ડેપ્યુટી પોલીસ ઈન્સ્પેક્ટર એલાઈન મોયાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં ચાર લોકોને ઈજા થઈ છે. જોકે, કોઈ મોટી જાનહાનિ ટળી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં ત્રણની સ્થિતિ સ્થિર છે અને એકને ગંભીર ઈજાઓ થઈ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ એક ટિ્વન એન્જિન પાઈપર પીઈ-૩૧ વિમાન હતું. દુર્ઘટના સમયે માત્ર પાયલોટ જ વિમાનમાં હતો. વિક્ટોરિયા પોલીસ વિભાગ અને FAA એ દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. વિમાને વિક્ટોરિયા ક્ષેત્રીય હવાઈ મથકથી ઉડાન ભરી હતી. પાંચ કલાક સુધી હવામાં રહ્યા બાદ અચાનક આ દુર્ઘટના સર્જાઈ હતી.