અસદ શાસનનું પતન ન્યાયનું એક મૌલિક કાર્ય : બાઈડેન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સીરિયામાં શરુ થયેલા તખ્તાપલટે માત્ર સિરીયાના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને ઠેબા ખાતા કરી નાખ્યા એવું નથી પરંતુ અનેક દેશોનું ટેન્શન પણ વધારી દીધું છે. સિરીયાના રાજધાની સહિત તમામ પ્રમુખ શહેરો અને અનેક ભાગોમાં જેહાદી બળવાખોરો તોપો પર ફરી રહ્યા છે. ફાયરિંગ ચાલુ છે. વિદ્રોહીઓ જીત અને આઝાદીનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યાંના વાતાવરણમાં દારૂગોળો ગંધાય છે અને હવે તેમાં અમેરિકાનો પણ હાથ છે. વાત જાણે એમ છે કે રાષ્ટ્રપતિની સત્તાનો અંત આવતા જ અમેરિકાએ સીરિયા પર બોમ્બ છોડવાનું શરૂ કરી દીધુ છે. અમેરિકાએ સીરિયાની અંદર ISIS ના અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે મધ્ય સીરીયામાં હને બી-૫૨, એફ-૧૫, અને એ-૧૦ સહિત અમેરિકી વાયુસેનાના વિમાનોનો ઉપયોગ કરીને ૭૫થી વધુ ઠેકાણાઓ પર હુમલા કરાયા છે. એટલું જ નહીં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ સામે લડવા માટે અમેરિકાએ દક્ષિણ-પૂર્વ સીરિયામાં લગભગ ૯૦૦ સૈનિકોની ટુકડી તૈનાત કરી છે. આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સીરિયમાં પોતાના હાજરી હટાવશે નહીં.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પષ્ટપણે કહી દીધુ છે કે અમને એ વાતની પૂરેપૂરી જાણકારી છે કે ઈસ્લામિક સ્ટેટ કટ્ટરપંથી સમૂહ સીરિયામાં ફરીથી પોતાને સ્થાપિત કરવા માટે હાલની સ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. પરંતુ અમે એવું થવા નહીં દઈએ. તેમણે કહ્યું કે તેમની સેનાએ સીરિયાની અંદર ISIS વિરુદ્ધ હુમલા કર્યા. બાઈડેને એ પણ કહ્યું કે અસદ શાસનનું પતન ન્યાયનું એક મૌલિક કાર્ય છે. તેમણે કહ્યું કે, આ સીરિયાના લાંબા સમયથી પીડિત લોકો માટે ઐતિહાસિક અવસરની ઘડી છે. ૨૪ વર્ષ સુધી દેશ પર શાસન કરી રહેલા અસદ હવે મોસ્કોમાં રાજનીતિક શરણ પર છે. અત્રે જણાવવાનું કે અસદનો પરિવાર ૫ દાયકાથી સીરિયામાં શાસનમાં હતો.