Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પે સાઉદી અરેબિયા સામે આ એક મોટી શરત રાખી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમના બીજા કાર્યકાળમાં તેઓ સૌથી પહેલા સાઉદી અરેબિયાના પ્રવાસે જઈ શકે છે, પરંતુ તેના બદલામાં તેમની એક શરત છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો સાઉદી અરેબિયા ૪૫૦ થી ૫૦૦ અરબ ડોલરની અમેરિકી પ્રોડક્ટ્સ ખરીદશે તો તેઓ સૌથી પહેલા સાઉદી અરેબિયાના પ્રવાસે જશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વર્ષ ૨૦૧૭ માં જ્યારે તેઓ સાઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતા, ત્યારે પણ સાઉદી અરેબિયાએ મોટા પાયે અમેરિકન સામાનની ખરીદી કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આમ તો અમેરિકાના રાષ્ટ્રપતિ સૌથી પહેલા સત્તાવાર વિદેશ પ્રવાસે બ્રિટન જાય છે, પરંતુ હું મારી પહેલી સરકાર વખતે સૌથી પહેલા સાઉદી અરેબિયાના પ્રવાસે ગયો હતો, કારણ કે સાઉદી અરેબિયા ૪૫૦ અરબ ડોલરની અમારી પ્રોડક્ટ્સ ખરીદવા માટે રાજી થઈ ગયું હતું.
ટ્રમ્પે કહ્યું કે, “મેં તેમને કહ્યું હતું કે જો તમે એવું ઈચ્છો છો કે હું સૌથી પહેલા સાઉદી અરેબિયાના વિદેશ પ્રવાસે આવું તો તમારે અમારા દેશનો સામાન ખરીદવો પડશે જે બાદ સાઉદી અરેબિયા સામાન ખરીદવા રાજી થઈ ગયું હતું અને તેણે ૪૫૦ બિલિયન ડોલરની અમેરિકન પ્રોડક્ટ્સ ખરીદી હતી. જોકે, હવે મને ખબર નથી કે સાઉદી અરેબિયા ફરી એકવાર આટલો અમેરિકી સામન ખરીદશે કે નહીં. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે મારી સત્તાવાર પહેલી વિદેશ યાત્રા ત્યાંની જ હોઈ શકે છે.
આપને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૭ માં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની કમાન સંભાળ્યા બાદ તેઓ તેમના પહેલા સત્તાવાર વિદેશ પ્રવાસે સાઉદી અરેબિયા ગયા હતા. તેમના આ ર્નિણયે અમેરિકી રાષ્ટ્રપતિઓ સાથે જાેડાયેલી એક પરંપરાને બદલી નાખી હતી. તે સમયે પહેલીવાર આવું થયું હતું, જ્યારે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ તેમના કાર્યકાળના પહેલા વિદેશ પ્રવાસે કોઈ ખાડી દેશમાં ગયા હોય. ડોનાલ્ડ ટ્રમ્પે આ યાત્રા દરમિયાન સાઉદી અરેબિયા સાથે હથિયારોની મોટી ડીલ પણ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની સાઉદી અરેબિયા સાથે આ ડીલ ૧૧૦ અરબ ડોલરની હતી.