અમેરિકાનો ઈરાદો રશિયાને નુકસાન પહોંચાડવાનો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ રશિયાને યુદ્ધ ખતમ કરવા માટે કહ્યું છે. રશિયાએ પણ હવે કહી દીધું છે કે, તેઓ યુદ્ધ ખતમ કરવા માટે તૈયાર છે, પણ કહ્યું કે, આ વાતચીત પરસ્પર સન્માન પર આધારિત હોવી જોઈએ. એટલે કે તેમની માંગ છે કે વાતચીતમાં એકતરફી ર્નિણય ન હોય. રશિયાએ ટ્રમ્પને જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ તેમની સાથે પરસ્પર સન્માનજનક સંવાદ માટે તૈયાર છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ સાથે જ્યારે પત્રકારોએ પુતિનની ટિપ્પણીને લઈને પૂછ્યું તો તેમણે કહ્યું કે, “અમને તેમાં કંઈ નવું દેખાતું નથી.” ટ્રમ્પની ટીકા કરતા તેમણે કહ્યું કે, ટ્રમ્પના પહેલા રાષ્ટ્રપતિ કાર્યકાળમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તેમને પ્રતિબંધ લગાવવાનું પસંદ છે. રશિયા તેમના નિવેદનોને ધ્યાનથી જોઈ રહ્યું છે.
ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો પુતિન યુદ્ધ ખતમ કરવા પર સહમત નહીં થાય તો તેઓ મોસ્કો પર વધારે પ્રતિબંધો લગાવશે. તેમણે કહ્યું કે, “જો અમે કોઈ ડીલ પર નથી પહોંચતા, તો અમારી પાસે રશિયા તરફથી અમેરિકા અથવા અન્ય દેશોને વેચાતી દરેક વસ્તુઓ પર હાઈ ટેક્સ અને પ્રતિબંધ લગાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી રહેતો.” જોકે આગળ કહ્યું કે, અમેરિકાનો ઈરાદો રશિયાને નુકસાન પહોંચાડવાનો નથી અને તેમને રાષ્ટ્રપતિ પુતિન સાથે હંમેશા સારા સંબંધો રહ્યા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, “રશિયાની અર્થવ્યવસ્થા નિષ્ફળ થઈ રહી છે. હું રાષ્ટ્રપતિ પુતિન પર બહુ મોટો ઉપકાર કરી રહ્યો છું. હાલમાં ડીલ કરે અને આ મૂર્ખતાપૂર્ણ યુદ્ધને ખતમ કરે, આ ખરાબ થતું જાય છે.” ટ્રમ્પે ભાર આપતા કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાર થવો જોઈએ. તેમણે આગળ કહ્યું કે, જો બાઈડનની જગ્યાએ તેઓ રાષ્ટ્રપતિ હોત તો રશિયા અને યુક્રેનનું યુદ્ધ ક્યારેય શરૂ જ ન થાત. ૨૦૨૨માં યુક્રેન પર હુમલા બાદથી રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો લગાવતા વેપાર લગભગ ઠપ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે રશિયા સાથે ડીલ કરવા માંગતું હોય, પણ તેને લઈને યુરોપની ચિંતા વધી ગઈ છે. યુરોપનું માનવું છે કે, ઉતાવળમાં જો યુદ્ધ ખતમ કર્યું તો સંઘર્ષ એવી જગ્યાએ ખતમ થશે, જે યુક્રેન માટે પ્રતિકૂળ છે. નાટોના મહાસચિવ માર્ક રુટે આ મુદ્દાને ઉઠાવ્યો છે. માર્ક રુટે ગુરુવારે ચેતવણી આપી છે કે, યુક્રેન પર રશિયાની જીતને દુનિયામાં નાટોને નબળી કરનારી શક્તિ તરીકે દર્શાવ્યું છે. જ્યારે તેની વિશ્વસનિયતા પણ દાવ પર હશે, જેને ફરીથી પાછી લાવવામાં ખર્બો રૂપિયા ખર્ચાશે.