વિશ્વના ઘણા અગ્રણી ઉદ્યોગપતિઓ રહ્યા હતા હાજર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપી હતી. ત્યારે આ ખાસ પ્રસંગે વિશ્વના ઘણા અગ્રણી ઉદ્યોગપતિઓ, વૈશ્વિક વ્યાપાર જગતના નેતાઓ અને ટ્રમ્પના મંત્રીમંડળના નામાંકિત સભ્યો હાજર રહ્યા હતા.
રાત્રિભોજનમાં અંબાણી પરિવાર અન્ય ભારતીય ઉદ્યોગસાહસિકો સાથે જોવા મળ્યા હતા, જેમ કે M3M ડેવલપર્સના મેનેજિંગ ડિરેક્ટર પંકજ બંસલ અને ટ્રિબેકા ડેવલપર્સના સ્થાપક કલ્પેશ મહેતા. કલ્પેશ મહેતા ભારતમાં ટ્રમ્પ ટાવર્સની સ્થાપનામાં મુખ્ય ભાગીદાર છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી તસવીરોમાં, મહેતા મુકેશ અને નીતા અંબાણી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. જે પ્રસંગે મુકેશ અંબાણીએ કાળો સૂટ પહેર્યો હતો, જ્યારે નીતા અંબાણી સિલ્ક સાડી સાથે લાંબા ઓવરકોટમાં જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ઘણા અન્ય મોટા ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ પ્રસંગે જેફ બેઝોસ અને મેટાના CEO માર્ક ઝુકરબર્ગ પણ જોવા મળ્યા હતા.
કલ્પેશ મહેતાએ સોશિયલ મીડિયા પર ટ્રમ્પ અને તેમના પરિવાર સાથેની તસવીરો શેર કરી અને લખ્યું, “૪૫મા અને ૪૭મા રાષ્ટ્રપતિ સાથે આ અદ્ભુત ઉદ્ઘાટન સમારોહનો ભાગ બનીને સન્માનિત અનુભવી રહ્યો છુ.” તેમણે એક વીડિયો પણ શેર કર્યો જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા સાથે આતશબાજીનો આનંદ માણી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહની એક રાત્રે આયોજિત “કેન્ડલલાઇટ ડિનર” માટે અંબાણી પરિવારને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રમ્પ સાથે તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો પણ હતા.
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પછી, અંબાણી પરિવાર રિપબ્લિકન મેગા-ડોનર મિરિયમ એડેલસન અને મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા આયોજિત બ્લેક-ટાઈ રિસેપ્શનમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં વિશ્વના પ્રભાવશાળી નેતાઓ અને ઉદ્યોગપતિઓનો મેળાવડો હશે.