Last Updated on by Sampurna Samachar
આનાથી હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિદેશમાં ઘણી વખત ભારતીય દેવી-દેવતાઓની મજાક ઉડાવવામાં આવતી હોય છે. જેમાં ઘણી વખત અન્ડરગારમેન્ટ્સ પર હિંદુ ભગવાનની તસ્વીરો પણ છાપવામાં આવતી હોય છે. હાલમાં અમેરિકાની રિટેલ જાયન્ટ વોલમાર્ટના સ્ટોર્સમાં ભગવાન ગણેશની તસ્વીરો ધરાવતા પુરૂષો અને મહિલાઓને અન્ડરવેર વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જેની સામે હિંદુ સ્ટેટ્સમેન રાજન ઝેડે વાંધો ઉઠાવ્યો છે. તેમણે વોલમાર્ટના બેન્ટનવિલેમાં આવેલા હેડક્વાર્ટરને અપીલ કરી છે કે તેઓ ભગવાન ગણેશની તસ્વીર ધરાવતા ૭૪ વેરાઈટીના અન્ડરવેરને તાત્કાલિક હટાવી દે. તેમણે આને અત્યંત અયોગ્ય ગણાવું છે અને કહ્યું છે કે આનાથી હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચી છે.
ઝેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભગવાન ગણેશ હિંદુ ધર્મમાં ખૂબ જ આદરણીય છે. મંદિરો અને ઘરમાં રહેલા મંદિરોમાં તેમની પૂજા કરવામાં આવે છે. અન્ડરવેરને સેક્સી દેખાડવા અને તેનું વેચાણ વધારવા માટે તેમનો ઉપયોગ થઈ શકે નહીં. કોમર્શિયલ કે અન્ય એજન્ડા માટે હિંદુ દેવી-દેવતાઓ અથવા તો પ્રતિકો કે પછી ચિન્હોનો અયોગ્ય ઉપયોગ કરવો જાેઈએ નહીં કેમ કે તે ભક્તો માટે ઘણું જ પીડાદાયક હોય છે. યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ એવા રાજન ઝેડે વોલમાર્ટને ભગવાન ગણેશની તસ્વીર ધરાવતા અન્ડરવેરને તાત્કાલિક હટાવી લેવાની અપીલ કરવાની સાથે સાથે વોલમાર્ટના ડગ મેકમિલન અને તેના બોર્ડ ચેરમેન ગ્રીગોરી બી પેન્નરને માફી માંગવાનું પણ કહ્યું છે.
હિંદુ ધર્મ લગભગ ૧.૨ અબજ અનુયાયીઓ અને સમૃદ્ધ દાર્શનિક વિચાર સાથે વિશ્વનો સૌથી જૂનો અને ત્રીજાે સૌથી મોટો ધર્મ છે. તેથી આ પ્રકારે તેનો ઉપયોગ થવો જાેઈએ નહીં. મોટા કે નાના કોઈ પણ ધર્મની આસ્થાના પ્રતિકોનો ઉપયોગ આ રીતે થવો જાેઈએ નહીં, તેમ ઝેડે જણાવતા ઝેડે કહ્યું હતું કે, હિંદુ દેવતાનું આવું અપમાન હિંદુઓ માટે ચિંતાજનક છે અને તેનાથી કરોડો લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. ભગવાન ગણેશ અંગે સમજણ આપતા તેમણે કહ્યું હતું કે, હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને બુદ્ધિના દેવાતા અને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. કોઈ પણ નાના કે મોટા કામની શરૂઆતમાં સૌથી પહેલી પૂજા ભગવાન ગણેશની કરવામાં આવે છે.
“સેલેસ્ટિયલ ગણેશ બ્લેસિંગ્સ” તરીકે વોલમાર્ટ પુરૂષો, સ્ત્રીઓ, છોકરીઓ, છોકરાઓ, કિશોરો, બાળકો માટે ૭૪ વિવિધ પ્રકારના અન્ડરવેરનું વેચાણ કરે છે જેના પર ભગવાન ગણેશની તસ્વીર છાપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વોલમાર્ટ અમેરિકાની સૌથી મોટી રિટેલ જાયન્ટ છે અને વિશ્વના ઘણા દેશોમાં તેના સ્ટોર્સ આવેલા છે. ૨૦૨૪ના નાણાકિય વર્ષમાં વોલમાર્ટે ૬૪૮ બિલિયન ડોલરની રેવન્યુ કરી હતી. વોલમાર્ટનો દાવો છે કે દર અઠવાડિયે ૨૫૫ મિલિયનથી વધુ કસ્ટમર્સ અને મેમ્બર્સ ૧૯ દેશોમાં ૧૦,૫૦૦થી વધુ વોલમાર્ટ સ્ટોર્સ અને ઘણી બધી ઈ-કોમર્સ વેબસાઈટની મુલાકાત લે છે. જાેકે, અમેરિકામાં આ પ્રથમ વખત નથી કે ભગવાન ગણેશની તસ્વીર ધરાવતા અન્ડરવેરનું વેચાણ કરવામાં આવ્યું હોય. અગાઉ ૨૦૧૭માં ફેશન બ્રાન્ડ સૌલન ઝી દ્વારા મહિલાઓ માટેની એક અન્ડરવેર કેટેગરી પર ભગવાન ગણેશની તસ્વીર છાપી હતી. જેને લઈને ભારે વિવાદ થયો હતો અને તેના કારણે ફેશન બ્રાન્ડે ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં તે અન્ડરવેર હટાવી લેવા પડ્યા હતા. જ્યારે ૨૦૨૦માં એમેઝોનની વેબસાઈટ પર ભગવાન ગણેશની તસ્વીરવાળા શોર્ટ્સ અને બ્રિફ્સ તથા ઓમ લખેલા ડોરમેટ્સ એટલે કે પગલૂછણીયા વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. જેના કારણે હિંદુઓએ તેનો ભારે વિરોધ કર્યો હતો અને એમેઝોનનો બોયકોટ કરવાની અપીલ કરી હતી. જાેકે, આ બંને વસ્તુઓ એમેઝોનની ફોરેન વેબસાઈટ પર જ દેખાતી હતી પરંતુ ભારતની એમેઝોન વેબસાઈટ પર તે દેખાતી નહતી.