Last Updated on by Sampurna Samachar
મને લાગ્યું કે એજન્ટ પ્રોપર વીઝા સાથે કાયદેસર રીતે અમેરિકા મોકલશે , પણ મને દગો મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના ફતેહગઢ ચૂડિયાના જસપાલ સિંહ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અમેરિકામાં નવા જીવનની શરુઆતનું સપનું લઈ ભારતથી રવાના થયા હતા. પોતાની બચત, વિશ્વાસ અને શાનદાર ભવિષ્યની આશા આ બધા પર અમેરિકામાં હૂરિયો બોલાવી દીધો છે. પણ સારી શરુઆતનો મોકો મળવાની જગ્યાએ તેમને ધરપકડ અને ડિપોર્ટેશન મળ્યું. તેની સાથે જ તેમણે પોતાની આખી બચત પણ ખોઈ દીધી અને સપના પર પાણી ફરી વળ્યું છે.
જસપાલ એ ૧૦૪ ભારતીયોમાંથી એક છે. જેમને અમેરિકી સૈન્ય વિમાનથી ભારત પાછા લાવવામાં આવ્યા હતા. આ તમામ ૧૦૪ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હતા. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને નવા નિયમ અનુસાર, ભારતમાં વાપસી થઈ છે. ટ્રમ્પ અમેરિકામાં રહેતા તમામ ગેરકાયદેસર પ્રવાસીઓને આવી જ રીતે તેમના દેશમાં મોકલી રહ્યા છે.
જસપાસ કાયદેસરના વીઝા લઈ અમેરિકા વસવા માંગતા હતા, તેના માટે તેમણે એજન્ટને ૩૦ લાખ રુપિયા પણ આપ્યા હતા, પણ એજન્ટે છેતરપીંડી કરી. આ અંગે જસપાલ જણાવે છે કે, એજન્ટ સાથે મારે એગ્રીમેન્ટ થયું હતું તે મને પ્રોપર વીઝા સાથે કાયદેસર રીતે અમેરિકા મોકલશે. પણ મને દગો મળ્યો. આ ડિલ ૩૦ લાખમાં થઈ હતી અને હવે મારા બધા રુપિયા ડૂબી ગયા. એજન્ટે મને સૌથી પહેલા પંજાબથી યુરોપ મોકલ્યો. મને લાગ્યું કે, હું કાયદેસર રીતે જઈ રહ્યો છું. ત્યાંથી હું બ્રાઝીલ ગયો પછી મને ડંકી રુટ પર મોકલી દીધો.
જસપાલ જણાવે છે કે, ડંકી રુટથી અમેરિકા પહોંચવામાં તેને ૬ મહિના લાગ્યા અને જેવા બોર્ડર પાર કરીને અમેરિકામાં એન્ટર થયા તો પેટ્રોલિંગ કરનારા જવાનોએ તેમની ધરપકડ કરી લીધી. તે આ જાન્યુઆરી મહિનામાં અમેરિકા પહોંચ્યા હતા.
અમેરિકામાં ૧૧ દિવસ રહ્યા અને એ પણ ધરપકડ કરી દેવાઇ. તે જણાવે છે કે, જ્યારે મને સૈન્ય વિમાનમાં બેસાડવામાં આવ્યો તો મને લાગ્યું કે કોઈ અન્ય ડિટેંશન સેન્ટર લઈ જઈ રહ્યા છે. મને નહોતી ખબર કે આ લોકો મને ભારત પાછા મોકલી રહ્યા છે. બાદમાં એક અધિકારીએ જણાવ્યું કે, અમે લોકો પાછા ભારત જઈ રહ્યા છીએ. જસપાલ જણાવે છે કે, તેમને હાથકડી અને ઝંઝીરો લગાવીને અમેરિકાથી રવાના કરી દીધા. અમૃતસર પહોંચતા તેમની હાથકડીઓ છોડવામાં આવી. જ્યારે તેઓ સૈન્ય વિમાનમાંથી બહાર નીકળ્યા તો ખબર પડી કે આ તો ભારત પાછા આવી ગયા !