Last Updated on by Sampurna Samachar
લોકોને હાથકડી પહેરાવીને મોકલવા એ ભારતનું અપમાન , તે ભારતીયોના ગૌરવનું અપમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ૧૦૪ ભારતીયો પોતાના વતન પરત ફર્યા હતા. ત્યારે આ ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન અમૃતસર એરપોર્ટ પહોંચ્યું હતુ. આ મુદ્દો લોકસભામાં વિપક્ષી સાંસદો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓએ સંસદ પરિસરમાં હાથકડી પહેરીને સરકારી નીતિઓનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું, “આ જે રીતે કરવામાં આવ્યું તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. તેમને તે લોકોને દેશનિકાલ કરવાનો દરેક કાનૂની અધિકાર છે, પરંતુ તેમને અચાનક લશ્કરી વિમાનમાં હાથકડી પહેરાવીને મોકલવા એ ભારતનું અપમાન છે, તે ભારતીયોના ગૌરવનું અપમાન છે.”
સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે લોકસભામાં કાર્યવાહી સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કોંગ્રેસના સાંસદ ગોગોઈએ જણાવ્યું હતું કે દેશનિકાલ પ્રક્રિયા દરમિયાન આ વ્યક્તિઓને હાથકડીથી બાંધવામાં આવ્યા હોવાના અને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાના અહેવાલો આવ્યા છે, જે તેમના ગૌરવ અને અધિકારો અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.
તેમણે એમ પણ કહ્યું કે જ્યારે તાત્કાલિક મુદ્દો વિદેશમાં આપણા નાગરિકો સાથેના વર્તન સાથે સંબંધિત છે, તે માનવ અધિકારો પર ભારતના રાજદ્વારી વલણ અંગે વ્યાપક ચિંતાઓને પણ પ્રતિબિંબિત કરે છે. ગોગોઈએ કહ્યું કે ભારત સરકારનું સતત મૌન, ખાસ કરીને વડા પ્રધાન તરફથી કોઈ નક્કર પ્રતિભાવનો અભાવ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધાયું છે. રાજ્યસભામાં આ મુદ્દા પર કોંગ્રેસ, CPI, TMC અને આપના સાંસદોએ હંગામો મચાવ્યો હતો.
અમેરિકાથી પરત ફરનારાઓમાં ૩૩ લોકો હરિયાણાના છે, જેમાંથી સૌથી વધુ ૧૧ લોકો કૈથલ જિલ્લાના હોવાનું કહેવાય છે. હરિયાણાના આ લોકોમાં સાત એવા છે જેમની ઉંમર ૨૦ વર્ષથી ઓછી છે. ત્રણ મહિલાઓ પણ પરત ફરી છે. ત્યારે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો.