US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં ગૌતમ અદાણી અને અદાણી મેનેજમેન્ટ પર કથિત લાંચ લેવાનો આરોપ મૂકનાર એટર્ની બ્રિયોન પીસ પોતાનું પદ છોડી રહ્યા છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે એટર્ની બ્રિયોન રાજીનામું આપી રહ્યા છે અને તેઓ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ પોતાનું પદ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે એટર્ની બ્રાયન અદાણી જૂથ પર આરોપ લગાવીને ચર્ચામાં આવ્યા હતા. આ આરોપોને રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન ફરી શરૂ થાય તે પહેલા જ એટર્ની બ્રાયન પીસ અમેરિકાને વિદાય આપશે. ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ પ્રમુખ તરીકે શપથ લેશે. ૫૩ વર્ષીય બ્રિયોન પીસ, ૨૦૨૧ થી એટર્ની છે, જ્યારે તેમણી નિમણૂક જો બિડેન દ્વારા કરવામાં આવી હતી. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બ્રાયન પીસની વિદાય બાદ કેરોલિન પોકોર્નીને ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ માટે કાર્યકારી યુનાઈટેડ સ્ટેટ્સ એટર્ની તરીકે નિયુક્ત કરવામાં આવશે.
એટર્ની બ્રાયન પીસે તેમના રાજીનામાની જાહેરાત કરતા કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સ એટર્ની તરીકે સેવા આપવી એ એક અનુભવ હશે જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમના પોતાના કાર્યની પ્રશંસા કરતા, તેમણે કહ્યું કે આ મહાન જિલ્લાના ૮ મિલિયનથી વધુ લોકોને નુકસાનથી બચાવવા, કાયદાના શાસનને જાળવી રાખવા અને તમામ માટે નાગરિક અધિકારોને પ્રોત્સાહન આપવા માટે મોખરે રહેવું હંમેશા તેમના માટે સન્માનની વાત રહેશે.
અદાણી ગ્રુપે અમેરિકામાં લગાવેલા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ ઘટના બાદ અમેરિકન ન્યાય પ્રણાલી પર પણ સવાલો ઉભા થયા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપ સામેના આરોપો ભારતની પ્રગતિથી ઉભી થયેલી ઈર્ષ્યા અને રાજકીય ષડયંત્રનો ભાગ છે.