Last Updated on by Sampurna Samachar
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસેન્ટે આપી માહિતી
બેસેન્ટની આ સ્પષ્ટતાથી ભારતની ચિંતા વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફમાં આપવામાં આવેલી ૯૦ દિવસની રાહત ૯ જુલાઈના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. આ ડેડલાઈન પૂર્ણ થાય તે પહેલાં જ અમેરિકાએ ચોંકાવનારી જાહેરાત કરી છે. આગામી ૧ ઓગસ્ટથી વિશ્વના આશરે ૧૦૦ દેશોમાંથી આયાત પર ટ્રમ્પ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જે ૧૦ ટકા રહેશે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસેન્ટે આ અંગે માહિતી આપી હતી.
સ્કૉટ બેસેન્ટે ગ્લોબલ ટ્રેડ સ્ટ્રેટેજીનો હવાલો આપતાં જણાવ્યું હતું કે, બેઝલાઈન ટેરિફ વ્યાપક રૂપે લાગુ થશે. આ ટેરિફ એવા દેશો પર પણ લાગુ થશે, જેની સાથે વોશિંગ્ટન હાલ વાટાઘાટ કરી રહ્યું છે. અમે જોઈશું કે, પ્રમુખ ટ્રમ્પ ટ્રેડ ડીલ કરનારા દેશો સાથે કેવો વ્યવહાર રાખે છે. મારા મત મુજબ અમે ૧૦૦ દેશો પર લઘુત્તમ ૧૦ ટકાનો ટ્રમ્પ ટેરિફ લાદીશું. બેસેન્ટની આ સ્પષ્ટતાથી ભારતની ચિંતા વધી છે. જોકે, અંતિમ ર્નિણય ટ્રમ્પ લેશે.
૧૦ ટકાનો બેઝ ટેરિફ તો લાગુ જ છે
ડોનાલ્ડ ટ્રમ્પે ૧૨ દેશો પર ટેરિફ બોમ્બ ફોડવાની તૈયારી કરી છે. જેની જાહેરાત થવાની સંભાવના છે. રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે જણાવ્યું હુતં કે, આશરે એક ડઝન દેશો માટે વેપાર પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. યાદીમાં સામેલ ઘણા દેશોને આ પત્ર ‘ટેક ઈટ ઓર લીવ ઈટ‘ (સ્વીકાર કરો અથવા છોડી દો)ના અલ્ટીમેટમ સાથે આગામી સપ્તાહના પ્રથમ દિવસે મોકલવામાં આવશે. આ યાદીમાં સામેલ દેશોની હાલ જાહેરાત થઈ નથી.
ન્યૂજર્સી જતી વખતે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે ૧૨ દેશો પર ટેરિફ બોમ્બ ફોડવાનો સંકેત આપ્યો હતો. આ યાદીમાં કથિત રૂપે ભારત, જાપાન અને યુરોપિયન યુનિયનના દેશો સામેલ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે, ૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ટ્રમ્પે વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. તેમજ ૧૦ ટકા બેઝ ટેરિફ પણ લાદ્યો હતો. જેમાં રેસિપ્રોકલ ટેરિફમાં ૯૦ દિવસની રાહત આપી હતી. જે હવે પૂર્ણ થવાના આરે છે. જ્યારે ૧૦ ટકાનો બેઝ ટેરિફ તો લાગુ જ છે. એવામાં આ વધારાનો ૧૦ ટકા ટ્રમ્પ ટેરિફ ઘણા દેશોના નિકાસ વેપાર પર બોજો વધારશે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ સકારાત્મક ધોરણે આગળ વધી રહી હોવાના બંને દેશોએ સંકેત આપ્યા છે. પરંતુ હજી સુધી કોઈ ઠોસ ર્નિણય જાહેર થયો નથી. કોઈ વચગાળાનો કરાર ન થતાં ૯ જુલાઈ બાદ ભારતની અમેરિકા નિકાસ પર અસર થઈ શકે છે. બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ અમેરિકા દ્વારા કૃષિ અને ડેરી ક્ષેત્રે મુદ્દે બજાર ખુલ્લુ મુકવાની માંગ વચ્ચે અટવાઈ હોવાના અહેવાલો છે. આ સિવાય ભારતે ટેક્સટાઈલ, લેધર અને જેમ્સ-જ્વેલરી મુદ્દે માર્ગ મોકળો કરવાની માંગ કરી છે.