Last Updated on by Sampurna Samachar
અમેરિકી વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારીની વાત
અમેરિકા સાથે ભારતનો ટેરિફ વિવાદ ચરમસીમાએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન તણાવ તો ઘટ્યો પરંતુ અમેરિકા સાથે ટ્રેડ ટેરિફ વિવાદે એવી તે આગ લગાવી કે જેણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને તળિયે બેસાડી દીધા. એક બાજુ પાકિસ્તાન અમેરિકા સાથે પોતાના સંબંધો સુધારવામાં લાગ્યું છે. બીજી બાજુ અમેરિકા સાથે ભારતનો ટેરિફ વિવાદ ચરમસીમાએ છે. આવામાં સ્વાભાવિક છે કે એ સવાલ ઉઠે કે આખરે અમેરિકા ખુલીને કોની સાથે છે.ભારત કે પાકિસ્તાન સાથે ?
મળતા રિપોર્ટ મુજબ અમેરિકી વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આશ્વાસન આપ્યું છે કે અમેરિકા ભારત અને પાકિસ્તાન સાથે અલગ અલગ વ્યવહાર ચાલુ રાખશે અને બંને દેશોના સંબંધોને તે ખુબ અલગ માને છે. તેમણે એ આશંકા ફગાવી દીધી કે બંને દેશો વચ્ચે ફરીથી એકરૂપતા આવી શકે છે.
ભારત અને પાકિસ્તાનને એક દ્રષ્ટિથી જુએ છે
અધિકારીએ કહ્યું કે કાશ્મીરના મામલે અમેરિકા પોતાની લાંબા સમયથી ચાલતી નીતિ પર કાયમ છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સીધો મુદ્દો છે. જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મદદ કરવા માટે તૈયાર છે પરંતુ અધિકારીએ કહ્યું કે, અમારો તેમાં કોઈ રસ નથી અને અમારી સામે પહેલેથી જ અનેક સંકટ છે. અમે તેને ભારત અને પાકિસ્તાન ઉપર છોડી દઈશું.
અધિકારીએ કહ્યું કે, અમે ભારત અને પાકિસ્તાન બંનેને અલગ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ અને એક એવી અમેરિકા ફર્સ્ટ નીતિ પર વિચાર કરીએ છીએ જે અમારા હિતોને આગળ વધારે. આ બંને સંબંધો ખુબ અલગ છે.
ભારતમાં કેટલાક લોકોનું માનવું છે કે અમેરિકા ધીરે ધીરે ભારત અને પાકિસ્તાનને એક દ્રષ્ટિથી જુએ છે. કારણ કે જે રીતે ટ્રમ્પે વારંવાર દોહરાવ્યું કે તેમણે મેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ઉકેલ્યો હતો અને ઈસ્લામાબાદની સાથે સંબંધો ફરીથી સ્થાપ્યા હતા. ત્યારબાદ સંબંધોને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ભલે ભારતે કોઈ પણ અમેરિકી મધ્યસ્થતાનો ઈન્કાર કર્યો હોય અને કહ્યું કે બંને પાડોશીઓએ પોતે જ આ વિવાદને સમાપ્ત કર્યો હતો. પરંતુ અધિકારીએ ટ્રમ્પના દાવા પર ભાર મૂક્યો.
અધિકારીએ કહ્યું કે પરંતુ એ સાચુ છે કે અમેરિકા તે સંકટમાં સામેલ હતું. નિવેદન આપનારાએ પોતાની ઓળખ ફક્ત વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારી તરીકે જણાવવાની શરતે એ વાત કરી જેથી કરીને તે અમેરિકા ભારત સંબંધોમાં અશાંતિ વચ્ચે ક્ષેત્રના પ્રમુખ રાજનયિક મુદ્દાઓ પર ખુલીને વાત કરી શકે.