Last Updated on by Sampurna Samachar
અમેરિકાનો પાડોશીઓ સાથે સમુદ્રમાં ચીનને ઘેરવાનો પ્લાન
અમેરિકા પાડોશી દેશોની સાથે ચીનને આપશે જવાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ અને ટ્રેડવૉર ચાલી રહ્યો છે. જે વચ્ચે અમેરિકાએ હરીફ ચીન દેશની મુશ્કેલીમાં વધારો કરતાં હાલમાં જ ચાર એશિયન દેશો સાથે ૧૦ કોસ્ટગાર્ડ જહાજો માટે કરાર કર્યા છે. જેમાં બે દેશો સાથે ચીનનો ક્ષેત્રીય વિવાદ રહ્યો છે. અમેરિકાના આ પગલાંથી દક્ષિણ ચીન સમુદ્રમાં તણાવ વધવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગત મહિને જૂનમાં પૂર્વ અમેરિકાએ ઉચ્ચ ક્ષમતા ધરાવતા કોસ્ટગાર્ડ શિપ પૈકી એક હેમિલ્ટન ક્લાસ કટરના ૧૨ જહાજ દક્ષિણ-પૂર્વ એશિયન દેશ વિયેતનામ પહોંચ્યાં છે. હેમિલ્ટન ક્લાસ કટરના અન્ય ત્રણ શિપ અગાઉથી જ ફિલિપાઈન્સ નૌસેનામાં કાર્યરત છે. આ બંને દેશોનો ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે.
લગભગ ૧૫૦ પેટ્રોલ જહાજો પહેલાથી જ તૈનાત
વિયેતનામ અને ફિલિપાઈન્સ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં પહેલાંથી જ વિશ્વનું સૌથી મોટો કોસ્ટગાર્ડ ફોર્સ તૈનાત છે. ચીને હિંદ મહાસાગરમાં પોતાનું પ્રભુત્વ ઝડપથી વિસ્તરિત કર્યું છે. અમેરિકાએ બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ તેમની નૌસેના માટે હેમિલ્ટન ક્લાસ કટર જહાજોની એક-એક જોડી આપી છે.
અમેરિકાએ જે જહાજનું હસ્તાંતરણ કર્યું છે, તે અમેરિકન નૌસેનાનું પૂર્વ જહાજ છે. આ શિપ ટ્રાન્સફર મુદ્દે અમેરિકાની કોસ્ટગાર્ડ ફોર્સે કહ્યું કે, સેવામુક્ત થયેલા જહાજોનું હસ્તાંતરણ અમેરિકાની ઈન્ડો-પેસિફિક નીતિને અનુરૂપ છે. અમેરિકામાં સુરક્ષાને મજબૂત બનાવવા અને ભાગીદારી જાળવી રાખવામાં મદદ કરી રહ્યું છે.
૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકા વચ્ચે કાર્યરત ૨૭૦૦ ટન વજનના હેમિલ્ટન-ક્લાસ કટર જહાજોને લિજેન્ડ-ક્લાસ નેશનલ સિક્યુરિટી કટર દ્વારા યુએસ નેવીમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. અમેરિકાની કોસ્ટગાર્ડ ફોર્સમાં સૌથી મોટા અને ઉન્નત જહાજોમાં આ જહાજ સામેલ છે.
સિંગાપોરની ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટ્ડીઝના એક વરિષ્ઠ ફેલો અને નૌસેના વિશ્લેષક કોલિન કોહે આ હસ્તાંતરણને મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધી રહેલી અડોડાઈનો જવાબ આપવા માટે અમેરિકાએ આ પ્રકારનું હસ્તાંતરણ કર્યું છે.
કટરના હસ્તાંતરણ વ્યવહારિક અને રાજકીય રીતે પ્રતિકાત્મક મહત્વ ધરાવે છે. કારણ કે ચીન દક્ષિણ ચીન સમુદ્રમાં મોટાભાગના પાણી પર પોતાનું વર્ચસ્વ હોવાનો દાવો કરે છે. હવે આ કરારથી ચીનના પડોશી દેશો તેમના ઓફશોર પેટ્રોલ ફ્લીટને મજબૂત બનાવી શકશે અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરીનો મજબૂત રીતે સામનો કરી શકશે.
આ ઉપરાંત, નાના દેશો પણ ચીનથી તેમની દરિયાઈ સંપત્તિનું રક્ષણ કરી શકશે. જોકે ચીની કોસ્ટગાર્ડના ૧૦૦૦ ટનથી વધુ વજનના લગભગ ૧૫૦ પેટ્રોલ જહાજો આ વિસ્તારમાં પહેલાથી જ તૈનાત છે, પરંતુ અમેરિકન જહાજોની તાજેતરની તૈનાતી ચીની દેખરેખમાં દખલ કરે તેવી શક્યતા છે.