Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પના ન્યુક્લિયર ટેસ્ટના આદેશ બાદ રશિયાનું અલ્ટિમેટમ
ટ્રમ્પના આદેશ બાદ રશિયાની પ્રતિક્રિયા સામે આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ મંત્રાલયને પરમાણુ હથિયારોના પરીક્ષણનો આદેશ આપ્યો હતો, જેના પગલે રશિયાએ પ્રતિક્રિયા આપી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સ્પષ્ટ કર્યું કે રશિયા અમેરિકાના પગલાંના આધારે જ પોતાનો આગળનો ર્નિણય લેશે.

પેસ્કોવે વધુમાં જણાવ્યું કે, ટ્રમ્પે પોતાના નિવેદનમાં કથિત રીતે કેટલાક દેશો પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ હાલમાં તેમને કોઈ પરીક્ષણની જાણ નથી. તેમણે સ્પષ્ટતા કરી કે જો આનો અર્થ બ્યુરવેસ્ટિનકના પરીક્ષણ સાથે હોય તો પણ તે કોઈપણ રીતે પરમાણુ પરીક્ષણ નથી.
અમેરિકા પાસે ૫૨૭૭ પરમાણુ હથિયારો
રશિયાએ સ્પષ્ટતા કરી કે, દરેક દેશ પોતપોતાની સંરક્ષણ પ્રણાલીઓ વિકસાવી રહ્યા છે, પણ આ પરમાણુ પરીક્ષણ નથી. ભલે અમેરિકા એક સાર્વભૌમ દેશ છે અને તેને પોતાના ર્નિણયો લેવાનો પૂરો અધિકાર છે, છતાં પણ હું રાષ્ટ્રપતિ પુતિનનું નિવેદન યાદ કરાવવા માંગીશ. આ નિવેદન ઘણી વખત પુનરાવર્તિત થયું છે કે જો અમેરિકા પરમાણુ પરીક્ષણ પરનો પ્રતિબંધ હટાવશે, તો રશિયા પરિસ્થિતિ અનુસાર કાર્યવાહી કરશે.
રશિયાએ ક્રૂઝ મિસાઇલના પરીક્ષણની માહિતી આપી હતી. રશિયાના આ પગલાના થોડા જ દિવસોમાં અમેરિકન પ્રમુખએ પરમાણુ હથિયારોના પરીક્ષણનો આદેશ આપી દીધો. ટ્રમ્પે એવો દાવો પણ કર્યો કે પરમાણુ હથિયારના મામલામાં અમેરિકા સૌથી આગળ છે.
ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટએ ભારત સહિત કુલ ૯ દેશોના પરમાણુ હથિયારોની સંખ્યાની યાદી જાહેર કરી છે. રિપોર્ટમાં ૨૦૨૫ના આંકડા દર્શાવવામાં આવ્યા છે. આ રિપોર્ટ મુજબ રશિયા પાસે ૫,૪૪૯ પરમાણુ હથિયારો છે, જ્યારે નાટો દેશોને મળીને ૫૭૯૨ પરમાણુ હથિયારો છે. નાટો દેશોમાં અમેરિકા પાસે ૫૨૭૭ પરમાણુ હથિયારો છે.