ગેરકાયદે વસતા ૩૦૦ થી વધુ ભારતીયોને વતન પરત મોકલવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય અમેરિકામાં આવેલા પનામા દેશમાં અમેરિકા દ્વારા ડિપોર્ટ કરવામાં આવેલા વિવિધ દેશોના ૩૦૦ ઈમિગ્રન્ટ્સની હોટલમાં અટકાયત કરી છે. અટકાયત કરાયેલા ૩૦૦ ઈમિગ્રન્ટ્સને જ્યાં સુધી તેમના વતન પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી તેમને હોટલમાં જ કેદ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અમેરિકા દ્વારા ચાલી રહેલા ડિપોર્ટેશન પ્રોગ્રામ હેઠળ અત્યારસુધી ગેરકાયદે વસતા ૩૦૦ થી વધુ ભારતીયોને વતન પરત મોકલવામાં આવ્યા છે. અમેરિકા અમુક દેશોમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને સીધે-સીધા વતન મોકલી શકવામાં અસક્ષમ હોવાથી તે પનામા જેવા દેશોનો સ્ટોપઓવર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જેના ભાગરૂપે કોસ્ટા રિકામાં પણ અન્ય દેશના ડિપોર્ટીની ફ્લાઈટ પહોંચી હતી.
પનામાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, હોટલમાં અટકાયત કરાયેલા ૩૦૦ માંથી ૪૦ ટકા ઈમિગ્રન્ટ્સ પોતાના વતન જવા માંગતા નથી. તેઓ પોતાના જ દેશમાં અસુરક્ષિત હોવાનો દાવો કરી રહ્યા છે. તેઓ હોટલની બારીમાંથી ‘હેલ્પ’ અને ‘વી આર નોટ સેફ ઈન અવર કંટ્રી’ લખેલા બેનર્સ ફરકાવી મદદ માંગી રહ્યા છે. આ ઈમિગ્રટન્સમાં મોટાભાગના લોકો ઈરાન, ઈન્ડિયા, નેપાલ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન સહિત અન્ય ટોચના ૧૦ એશિયન દેશોમાંથી છે.
પનામાના સુરક્ષા મંત્રી ફ્રેન્ક એબ્રેગોએ જણાવ્યું હતું કે, પનામા અને અમેરિકા વચ્ચે થયેલા માઈગ્રેશન કરાર હેઠળ ઈમિગ્રન્ટ્સની ખાસ સંભાળ લેવાઈ રહી છે. તેમને મેડિકલ અને ફૂડ સંબંધિત સુવિધાઓ અપાઈ રહી છે. પનામા સરકાર અમેરિકાથી અમુક દેશોમાં સીધે-સીધા ડિપોર્ટ ન થઈ રહેલા લોકો માટે બ્રિજ તરીકે કામ કરી રહી છે. પનામામાં આ ઈમિગ્રન્ટ્સની ફ્લાઈટ લેન્ડ કરાવ્યા બાદ તેમને તેમના વતન મોકલવાની આગળની કાર્યવાહી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે, ડિપોર્ટેશનની પ્રથમ ફ્લાઈટ પનામા પહોંચી હતી. મધ્ય-અમેરિકાના દેશોમાં હાલ વિવિધ દેશોના ડિપોર્ટીનો કાફલો આવી રહ્યો છે. જેના લીધે કાયદાકીય અવરોધો વધ્યા છે. એબ્રેગોએ જણાવ્યું હતું કે, આ વિદેશીઓની અટકાયત કરવામાં આવી નથી. પરંતુ તેમને પોલીસ દ્વારા સુરક્ષા પ્રદાન કરવાના હેતુ સાથે તેમની પર નજર રાખી રહ્યા છે.
૨૯૯ ડિપોર્ટીમાંથી ૧૭૧ લોકો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન અને યુએન રેફ્યુજી એજન્સીની મદદથી સ્વેચ્છાએ પોતપોતાના દેશોમાં પાછા ફરવા સંમત થયા છે. જે લોકો તેમના દેશોમાં પાછા ફરવા માટે સંમત નથી તેમને દૂરના ડેરિયન પ્રાંતમાં એક સુવિધામાં અસ્થાયી રૂપે રાખવામાં આવશે જ્યાંથી તાજેતરના વર્ષોમાં લાખો લોકોએ ઉત્તર સરહદો તરફ સ્થળાંતર કર્યું છે.