૬ વર્ષે ખબર પડી કે બ્રિજ પૂરો થતાં સામે દિવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ચકચારભર્યા હાટકેશ્વર બ્રિજનો મામલો હજી ભુલાયો નથી ત્યાં હવે શીલજ-ઘુમા રેલવે ઓવરબ્રિજ ચર્ચાનો વિષય બન્યો છે. રૂપિયા ૮૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલાં ઓવરબ્રિજના છેડે રસ્તો જ ન હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ બ્રિજના છેડે રહેણાક વિસ્તારની દિવાલ છે. જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનારાં વાહનચાલકો આગળ કેવી રીતે જશે એ સવાલ ઉભો થયો છે. અમદાવાદમાં ૮૦ કરોડના ખર્ચે ઘુમા-શીલજને જોડતો રેલ્વે બ્રિજ તૈયાર થઈ રહ્યો છે.
છેલ્લાં પાંચેક વર્ષથી ઓવરબ્રિજની ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે, પણ હવે જ્યારે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલો ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે જ બ્રિજ નિર્માણની કામગીરી અટકી પડી છે, તેનું કારણ એ છે કે બ્રિજના છેડે જઈ શકાય તેવી કોઈ સ્થિતિ જ નથી.શીલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી ૩૦ ફુટના અંતરે દિવાલ છે. આગળ જવાનો કોઈ રસ્તો જ નથી, પરિણામે વાહનો કેવી રીતે અવરજવર કરશે તે પ્રશ્ન છે. માત્રને માત્ર ૧૦-૧૨ ફુટના સાંકડો રસ્તો છે, ત્યાકે બ્રિજ પરથી શિલજ તરફ વાહનો કેવી રીતે જશે તે પ્રશ્ન છે. આ ઓવરબ્રિજે ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી છે. અણઘડ આયોજનને કારણે હવે રેલ્વે ઓવરબ્રિજ શરૂ થઈ શકે તેમ નથી.અધિકારીઓનું કહેવું છે કે, શીલજ તરફ જવા ૪૫ મિટરનો રોડ માટેની પ્રક્રિયા કરવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી
હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે પરંતુ તે શરૂ ક્યારે થશે તે સવાલ છે. આ વખતે એવું નથી કે કોઈ નેતા કાર્યક્રમમાં વ્યસ્ત છે પરંતુ આ વખતે મુદ્દો ખૂબ જ હાસ્યાસ્પદ અને તંત્રના અણઘડ આયોજનની ચાડી ખાતો છે. આ બ્રિજનો એક છેડો ખુલ્લો છે પરંતુ બીજા છેડે બ્રિજ પૂરો થતાં સીધી દિવાલ દેખાય છે. પરિણામે આ બ્રિજ બનાવવાનો શ્રેય કોણ લેશે એ સવાલ છે.
આ અંગે સ્થાનિકોના કહેવા પ્રમાણે બ્રિજ બની ગયો હોવા છતાં અમારી માટે આ છેડેથી બીજા છેડે જવા માટે બ્રિજ કોઈ કામનો નથી. ૬ વર્ષથી આ બ્રિજ બની જાય તેની રાહ જોતાં હતા કારણ કે અડધી રાતે પણ ફાટક બંધ હોય ત્યારે ઉભા રહેવું અઘરું હતું. હવે બ્રિજ બની ગયા છતાં હજુ સુધી બ્રિજનો ઉપયોગ ક્યારે કરી શકાશે એ નક્કી નથી. સામે વાળી દિવાલ તૂટે અને આગળ રસ્તો નીકળે તો બ્રિજનો ઉપયોગ શક્ય બને જેની માટે હજુ ઘણાં વર્ષ રાહ જોવી પડશે.
૬ વર્ષ પહેલાં અમદાવાદમાં ૮૦ કરોડના ખર્ચે ઘુમા-શિલજને જોડતા રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું. હાલ રેલવે ઓવરબ્રિજની ૯૦ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે પરંતુ બ્રિજ જ્યાં પૂરો થાય છે તે પછીના ૩૦ ફૂટના અંતરે દિવાલ છે. આગળ જવાનો કોઈ રસ્તો જ નથી. ન્યૂઝ૧૮ ગુજરાતીએ તપાસ કરી કે આગળ શું છે તો માલુમ થયું કે જે દિવાલ છે તેની આગળ ફાર્મ હાઉસ છે અને તે આખોય ભાગ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે. રોડ માટે ઝોનમાં ફેરફાર કરવો પડે તેમ છે. આ માટે સ્થાનિક કિશન પંચાલના કહેવા પ્રમાણે એગ્રીકલ્ચર ઝોનમાં વિસ્તાર આવતો હોવાથી પહેલાં તો ઝોન બદલાવની કામગીરી તંત્રએ કરવી પડશે
જેને લઈને પણ હજારો મથામણો છે.ઉલ્લેખનીય છે કે, બ્રિજની ડિઝાઇન અને પ્લાન પાસ થયો ત્યારે ખ્યાલ ન આવ્યો કે આ રીતે બ્રિજ પરથી લોકો ઉતરશે ત્યારે આગળ શું આવશે. કરોડો રૂપિયા પાણીમાં જતા રહ્યા છે જેની ભરપાઈ હવે કોણ કરશે તે સવાલ છે. સરવાળે સવાલ તો એ જ ઉભો થાય કે જ્યારે બ્રિજના નિર્માણ પાછળ જો ૮૦ કરોડ રૂપિયા ખર્ચાયા હોય તો પ્લાનિંગ વિના નિર્માણ કેવી રીતે થયું? બ્રિજના નિર્માણ અગાઉ શું સર્વે નહોતો કર્યો? જો કર્યો હોય તો આટલી ભૂલ કેવી રીતે સર્જાઈ? ૮૦ કરોડના ખર્ચે બનેલો બ્રિજનો ઉપયોગ આખરે લોકો ક્યારે કરી શકશે તે સવાલ ઉભો થયો છે.