Last Updated on by Sampurna Samachar
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮.૧૨ લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૪ માં અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦% નો ઘટાડો થયો છે. અમદાવાદમાં પાસપોર્ટ અરજદારોમાં ૧ વર્ષમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં વર્ષ ૨૦૨૪ માં ૮.૧૨ લાખ પાસપોર્ટ ઈશ્યૂ કરાયા હતા, જયારે વર્ષ ૨૦૨૩ માં ૮.૫૨ લાખ પાસપોર્ટ ઈશ્યૂ કરાયા હતા. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮.૧૨ લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિદેશ અભ્યાસ માટે જતા હોવાથી પાસપોર્ટ માટેની માંગ વધુ હોય છે. પરંતુ આ વર્ષે આ સંખ્યામાં ૧૦% નો ઘટાડો થયો છે. વેકેશનમાં વિદેશ ફરવા જવાનો ક્રેઝ હોવા છતાં આ વર્ષે લોકો વિદેશ જવાનું ટાળી રહ્યા છે. અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસને પાસપોર્ટ માટે વર્ષ ૨૦૨૩ માં ૮.૭૦ લાખ અરજીઓ મળી હતી, જયારે વર્ષ ૨૦૨૪માં પાસપોર્ટ માટે ૭.૯૨ લાખ અરજીઓ મળી હતી.
આ અંગે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસના અધિકારી અભિજીત શુક્લાને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે પાસપોર્ટ માટે વર્ષ ૨૦૨૪ માં પાંચ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય હિંમતનગર, આણંદ, નડિયાદની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. પાસપોર્ટ માટે અરજી કરનારાઓનો રાહ જોવાનો સમયગાળો ઘટે એ માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ ગયા વર્ષે ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા બે હજાર લોકોની સમસ્યાનું પણ સમાધાન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી દિવાળી બાદ પાસપોર્ટની અરજીઓમાં ઘટાડો થયો છે. આગળના વર્ષે મોબાઇલ સર્વિસ વાન પણ કાર્યરત કરવામાં આવી હતી. પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.