વાહન વ્યવહારની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મણિનગર રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલ પીલ્લર ઉપર રેલવે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાની કામગીરી કરવામાં આવશે. જેને લઈને મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે ૧૦૦ મીટર જેટલો રોડ બંધ કરાશે.
મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે ૧૦૦ મીટર જેટલો એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે ત્રણ મહિના સુધી બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ તરીકે ભૈરવનાથ રોડ, જશોદાનગર ચોકડી, જયહિંદ ચાર રસ્તા, સ્વામીનારાયણ મંદિર તથા દક્ષિણી સોસાયટી તરફથી આવતાં વાહનો રેલવે સ્ટેશન તરફનો એક સાઈડનો રોડ ચાલુ છે. તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે. આ ઉપરાંત કાંકરિયા તળાવ, રામબાગ, મણિનગર ચાર રસ્તા, કૃષ્ણબાગ ચાર રસ્તા, એલ.જી.હોસ્પિટલ, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, ગુરુદ્વારા તરફથી આવતાં વાહનો રેલવે સ્ટેશન તરફનો એક સાઈડનો રોડ ચાલુ છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.