Last Updated on by Sampurna Samachar
“ધ કપિલ શર્મા શો” અને ન્યૂયોર્કમાં પણ પરફોર્મ કરી ચૂક્યા છે બાળકો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં “કોશિશ” દ્વારા દિવ્યાંગ બાળકોનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોએ ગીતો, નૃત્ય અને વાદ્યવાદન દ્વારા પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમમાં “કોશિશ” ના બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું જેઓ “ધ કપિલ શર્મા શો” અને ન્યૂયોર્કમાં પણ પરફોર્મ કરી ચૂક્યા છે. “કોશિશ” દિવ્યાંગોને મુખ્ય ધારામાં સામેલ કરવા માટે કાર્યરત છે.

દર વર્ષની જેમ, આ વર્ષે પણ અમદાવાદમાં દિવ્યાંગજનો માટે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ સુંદર ગીતોની પ્રસ્તુતિ કરી. કેશિયો અને તબલા જેવા વિવિધ વાજિંત્રો વગાડી દિવ્યાંગ બાળકોએ પોતાની પ્રતિભા બતાવી. સંગીતના અસાધારણ સૂરોથી નવા વર્ષની સાંજ સોનેરી બની ગઈ. ગીત ગાવાની સાથે સાથે, બાળકો દ્વારા અદ્ભૂત નૃત્યની પ્રસ્તુતિ પણ કરવામાં આવી.
આ બાળકોને અમદાવાદના હઠિસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં તેમના કળાનું પ્રદર્શન કરવાની તક મળી, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ “કોશિશ – એક વિચાર”ના નામ હેઠળ મળી. કોશિશ” સાથે જોડાયેલા દિવ્યાંગજનો “ધ કપિલ શર્મા શો”માં પણ નૃત્ય પ્રદર્શન કરી ચૂક્યા છે.
આ દિવ્યાંગજનો ન્યૂયોર્કમાં પણ પરફોર્મ કરી ચૂક્યા છે. કોશિશ” દિવ્યાંગજનોને સામાજિક ધારા સાથે સમાવવાનો અને તેમને અલગ ન માનતા મેઇન સ્ટ્રીમમાં સામેલ કરવાના ધ્યેય સાથે કાર્ય કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માનસિક રીતે અસ્વસ્થ માતાની કોખે જન્મેલ બાળક પર બનેલી “કોશિશ”ની શોર્ટ ફિલ્મ ‘જઠરે શયનમ’ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય “કાંસ ફેસ્ટિવલ”માં સ્ક્રીન કરવામાં આવી છે. ઉપરાંત, મહારાષ્ટ્ર ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ “દાદા સાહેબ ફાળકે એવોર્ડ”થી પણ આ ફિલ્મ માટે પૂર્વી કમલનયન ત્રિવેદીને સન્માનિત કરવામાં આવ્યા છે.