કોર્પોરેશનના રિક્રિએશન કમિટિના ચેરમેનને આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્ષો પહેલાં કાંકરિયામાં લોકો હિલિયમ બલૂનમાં સવાર થઈને આખુંય અમદાવાદ જોઈ શકતા હતા તે એક્ટિવિટી પુનઃ શરૂ કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. અમદાવાદમાં હિલિયમ બલૂન પુનઃ શરૂ કરવા માટેની વિચારણા અમદાવાદ મહાનગરપાલિકાની રિક્રિએશન કમિટીમાં કરવામાં આવી છે.
આ અંગે હિલિયમ બલૂન કેમ બંધ કરવું પડ્યું અને તેના ટેકનિકલ આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને હવે નવેસરથી હિલિયમ બલૂન શરૂ કરવા માટે પ્રયત્ન થયા છે. જોકે આ વખતે હિલિયમ બલૂન માટેનું લોકેશન કયું હશે તે નક્કી નથી.
રિક્રિએશન કમિટિના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાંકરિયા ખાતે આવેલું હિલિયમ બલૂન છેલ્લા કેટલાક વર્ષોથી બંધ કરવામાં આવ્યું છે. અમદાવાદની હવાની ઝડપ તેમજ આબોહવાને ધ્યાન લેતાં કાંકરિયામાં આ બલૂન માટે યોગ્ય જગ્યા નહીં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ પ્રકારની કામગીરી માટે કયું સ્થળ યોગ્ય છે તેની તપાસ કરવામાં આવશે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ અથવા તો કાંકરિયામાં હિલિયમ બલૂન શરૂ થશે. અગાઉ જે સ્થળ પર હિલિયમ બલૂન રાખવામાં આવ્યું હતું તે સ્થળ પર પવનની ગતિ સાનુકૂળ ન હોવાનું આજે રિક્રિએશન કમિટી ચેરમેને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં એપ્રિલ માસમાં આવેલા વાવાઝોડાએ અમદાવાદમાં ભારે નુકસાન વેર્યું હતું. જેમાં કાંકરિયામાં આવેલા હિલિયમ બલૂનને પણ નુકસાન થયું હતું અને બલૂન ઝાડ સાથે અથડાવાથી ફાટી ગયું હતું. લાંબા સમય બાદ નવો બલૂન લાવવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૪ના એપ્રિલમાં આવેલા વાવાઝોડા પહેલાં પણ પ્રથમ હિલિયમ બલૂનને નુકસાન થયું હતું જેના કારણે બલૂનને અનેક વખત પંચર રિપેર કરવાની ફરજ પડી હતી.
હિલિયમ બલૂન આજથી ૧૪ વર્ષ પહેલાં વર્ષ ૨૦૧૦માં હિલિયમ બલૂન પ્રોજેક્ટની શરૂઆત કાંકરિયા ખાતે કરવામાં આવી હતી. ૧૦ કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર પીપીપી ધોરણે શરૂ કરવામાં આવેલા આ બલૂન પાછળ આશરે રૂ. ૧૦ કરોડનો ખર્ચ કરાયો હતો. આ બલૂન દ્વારા થતી આવકનો ૧૦% હિસ્સો કોર્પોરેશનને આપવામાં આવતો હતો. ૨૫ ડિસેમ્બર ૨૦૧૦માં હિલિયમ બલૂનને વિદેશથી લાવવામાં આવ્યું હતું.
બલૂન શરૂ થયા બાદ સમયાંતરે તેમાં કોઈને કોઈ ખામીઓ સામે આવતી હતી અને શરૂ થયા બાદ પણ ઘણી વખત તે બંધ રાખવું પડતું હતું. લોકાર્પણના થોડા જ વર્ષમાં હિલિયમ બલૂનની હવા નીકળી જતા તેને બંધ પણ કરવામાં આવ્યું હતું. હિલિયમ બલૂન એક વખત તૂટે તો તેને રિપેર કર્યા બાદ તેમાં હિલિયમ ગેસ ભરવામાં જ રૂ. ૫૦ લાખ જેટલો મોટો ખર્ચ થતો હતો.
જેને પગલે પ્રોજેક્ટ ચલાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રોજેક્ટ બંધ કરી દીધો હતો. ત્યારે હવે ફરીથી આ પ્રોજેક્ટને શરૂ કરવા માટે હિલચાલ શરૂ થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેવન્યુ શેરિંગ સાથે કોન્ટ્રાક્ટરને હિલિયમ બલૂનની જગ્યા ફાળવી હતી. આ જગ્યા પર હવે કેન્ડી વર્લ્ડ શરૂ કરવામાં આવનાર છે જ્યારે હિલિયમ બલૂનને સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ કરી શકાય કે કેમ તે અંગે વિચારણા કરવા અધિકારીઓને સૂચના આપી છે.