ફ્લાવર શોમાં પ્રિન્ટ કરેલી નકલી કુલ 52 ટિકીટ મળી આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉ ૨૦૨૫ નો ત્રીજી જાન્યુઆરી થી પ્રારંભ થયો છે, જે ૨૪મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારે ૧૦મી જાન્યુઆરીએ ફ્લાવર શૉની નકલી ટિકિટનું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. હાલ આ મામલે પોલીસે શાહપુરથી આશિષ ભાવસાર નામના વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે.
રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફ્લાવર શોમાં અનેક લોકો પાસે નકલી ટિકિટો મળી આવી છે, જે પ્રિન્ટ કરેલી છે. ૭૦ રૂપિયાના દરની ૨૭ તેમજ ૧૦૦ રૂપિયાના દરની ૨૫ ટિકિટ મળી આવી છે, જે અસલી ટિકિટ જેવી જ છે. આમ, ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી કુલ ૫૨ નકલી ટિકિટ મળી આવી છે. આ મામલે પોલીસે શાહપુરથી આશિષ ભાવસાર નામના વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે.
ફ્લાવર શૉની મુલાકાતે આવતા ૧૨ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન ૭૦ રૂપિયા અને શનિવાર-રવિવારમાં ૧૦૦ રૂપિયા ફી રહેશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જોકે, ફ્લાવર શૉમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને ૧૦ રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉમાં ૫૦૦ રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે ૯ થી ૧૦ અને રાત્રિના ૧૦થી ૧૧ વાગ્યાના સમયગાળામાં આપવામાં આવે છે.