Last Updated on by Sampurna Samachar
સરસપુર વિસ્તારમાં વહેલી સવારે બન્યો દર્દનાક બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં AMC ના વાહનોનો કાળો કહેર સામે આવ્યો છે. AMC ના બેફામ બનેલા વાહને માસૂમનો ભોગ લીધો છે. જેમાં AMC ની દબાણ ખાતાની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. દબાણ ખાતાની ગાડીએ ૧૦ વર્ષની બાળકીને કચડી નાખી હતી.
મળતી માહિતી અનુસાર, પૂરઝડપે આવતી ગાડીએ શાળાએ જતી બાળકીને કચડી નાંખી હતી. આ ગંભીર અકસ્માતમાં બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરમાનંદની ચાલીમાં રહેતી બાળકી નાની બહેન સાથે સ્કૂલે જઈ રહી હતી. ત્યારે બાળકીને કચડીને દબાણ શાખાની ગાડી જતી રહી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. વારંવાર થતા અકસ્માતને લઈ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે.
અમદાવાદના સરસપુર વિસ્તારમાં વહેલી સવારે અકસ્માતમાં બાળકીનું મોત થયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ ખાતાની ગાડી અહીંથી પસાર થઈ રહી હતી અને તેણે સ્કૂલે જતી બાળકીને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળકીનું મોત થતાં પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઇને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, ચાર વર્ષ પહેલા થયેલા અકસ્માતમાં ન્યાય મળ્યો નથી. આ બીજી વાર થયું છે અને ન્યાય નહીં મળે તો નહીં ચાલે. રસ્તા પર ચક્કાજામ કરવું પડશે. ચાર વર્ષ પહેલા કચરા લઇ જતી ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. આજે દબાણની ગાડી હતી. હવે ત્રીજી વખત થશે તો ? અમને ન્યાય જોઈએ.