Last Updated on by Sampurna Samachar
૩ અધિકારીઓને પાઠવી નોટિસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને આપવામાં આવ્યો છે. પરંતુ બિરૂદ જાળવવામાં શહેર કોર્પોરેશન નિષ્ફળ નિવડ્યું હોવાનું સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ગીતામંદિર બસસ્ટેન્ડ પાસે આવેલી વર્ષો જૂની દીવાલ તોડી પડાતાં મ્યુનિ. કમિશ્નરે ડેપ્યુટી કમિશ્નરને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેર મધ્ય ઝોનમાં આવેલા ગીતામંદિર પાસેના એસટી સ્ટેન્ડનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરાયું ત્યારબાદ કોન્ટ્રાક્ટરને ગીતામંદિરથી આસ્ટોડિયા દરવાજા-કાલુપુર તરફ જવાના રોડ પરના બસ સ્ટેન્ડનું પણ નવીનીકરણ કરવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે બસ સ્ટેન્ડની પાછળની બાજુએ જૂની દીવાલને હેરિટેજમાં સમાવી શકાય તે પ્રકારની હતી. અહીં AMC એ આશાભીલનાં નામે બગીચાનું નિર્માણ કર્યુ હતું. નવું બસ સ્ટેન્ડ બનાવવા અહીં પાયા ખોદતી વખતે વાવ કે પાણીના ટાંકા જેવું બાંધકામ મળી આવ્યું હતું.
જેથી આ મામલે હેરિટેજ ખાતાના અધિકારીઓએ પણ તપાસ કરી હતી તેમ જાણવા મળ્યું હતું. ત્યારે હવે મ્યુનિ. વિપક્ષના કોંગ્રેસના નેતાએ સ્થળ પર મુલાકાત લઈ તંત્ર દ્વારા ૨૦૦ વર્ષ જૂની હેરિટેજ દીવાલને તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તેમને લડત ચાલુ રાખી નહોતી. તો સાથે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એસ.ટી. સ્ટેશનના કોન્ટ્રાક્ટરને લાભ કરાવવાના હેતુથી પ્રાચીન દીવાલને તોડી પાડવામાં આવી હતી.
અનુસંધાને અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે રમ્યકુમાર ભટ્ટ, મિલન શાહ અને ચિંતન એન્જીનિયરને નોટિસ પાઠવી હતી. નોટિસમાં જણાવ્યું હતું કે ૧ સપ્ટે્મ્બર, ૨૦૨૪ના રોજ દીવાલ તોડી પાડવામાં આવી હતી તેનો ખુલાસો કરવાનું કહ્યું છે. આ અંગે વિજિલન્સ તપાસ પણ સોંપવામાં આવી હતી, તો સામે આવ્યું કે મ્યુનિસિપલ કમિશ્નરને કોઈ જાણ કરાઈ નથી. ગેરશિસ્ત આચરતા ત્રણેય અધિકારી વિરૂદ્ધ ખાતાકીય તપાસ જીપીએમસી એક્ટ કલમ ૫૬ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો માગ્યો છે.
એવું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે આ દીવાલ કોટ વિસ્તારની બહાર આવતી હોવાથી મ્યુનિ.થી કેન્દ્રના હેરિટેજ વિભાગમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી તેનું પુનઃસ્થાપન કરવામાં તંત્રએ રસ દાખવ્યો નહીં. માહિતી પ્રમાણે કોઈ જાનહાનિ ન સર્ઝાય તે હેતુથી દીવાલ તોડી પાડવાનું કાર્ય કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું.