કેટલાક વિવાદને લઇ હજુ કોઈ નક્કર જાહેરાત નહિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મ્યુનિ. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાય સમયથી એએમટીએસ અને બીઆરટીએસને એક કરી ચલાવવાની વાતો થાય છે, પરંતુ તેમાં કોનુ વર્ચસ્વ રહેશે અને ઓપરેટરોનું હિત જાળવી રાખવાને લઇ હજુ વાદવિવાદ ચાલી રહ્યો છે તેથી બન્ને બસ સેવાનાં એકત્રિકરણની નક્કર જાહેરાત થઇ શકતી નથી, પરંતુ મ્યુનિ.વહિવટીતંત્ર આ બાબતે આશાવાદી છે અને ટૂંક સમયમાં બન્ને બસ સેવાનુ એકમેકમાં વિલિનીકરણ થઇ જશે તેવો દાવો કરી રહ્યું છે.
સૂત્રોએ કહ્યું કે, BRTS માં છેલ્લા કેટલાક વર્ષથી જુની ડિઝલ બસો ચૂપચાપ ચલાવાય છે, તેને રદ કરી તેની જગ્યાએ ઇલેકટ્રિક બસો લાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ ઇલે.બસો માટે મહત્વની એવી બેટરીનાં કેટલાક પ્રશ્નો હોવાથી બસ ઉત્પાદકો બસનાં ઓર્ડર સમયસર પૂરા કરી શકતા નથી. આવા કારણસર BRTS નાં ટેન્ડર પણ રિટેન્ડર કરવા પડ્યાં છે.
બીજી બાજુ વાયુ પ્રદુષણ ડામવા ઇલે.બસની મોટી જાહેરાતો કરતાં મ્યુનિ. સત્તાધીશોએ BRTS માં ખખડધજ ડિઝલ બસો ચલાવવા માંગતા નથી તેવુ દર્શાવવા માટે એએમટીએસ માટે ગ્રોસ કોસ્ટ કિલોમીટરનાં દરે મંગાવાયેલી ૬૦ CNG મીડી બસ પૈકી ૫૦ બસ BRTS માં ફાળવી દીધી છે.
આ બાબતે BRTS નાં સૂત્રોએ કહ્યું કે, આ મામલે મ્યુનિ.કમિશનર અને શાસક ભાજપ તથા AMTS કમિટીની મંજૂરી મેળવવામાં આવીવ છે. તેમજ AMTSની ૫૦ મીડી CNG બસ BRTS માં ચલાવવાથી બીઆરટીએસને ફાયદો છે,
BRTS માં જુની ડિઝલ બસને ૭૫ રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવા પડતાં હતા તેની સામે સીએનજી બસ માટે ૬૦.૭૫ રૂપિયા ચૂકવવાનાં થશે એટલુ જ નહિ બીઆરટીએસમાં કંડકટરની જોગવાઇ નથી અને AMTS માં કંડકટર સાથેનાં ભાવ હોવાથી તે રકમ પણ કાપવામાં આવશે. આમ એકંદરે આ ર્નિણયથી બન્ને સંસ્થાને ફાયદો જ છે તેવુ સૂત્રોનુ કહેવુ છે.
એએમટીએસમાં વર્ષો બાદ સાત ડબલ ડેકર બસો લાવવામાં આવી છે, પરંતુ વર્તમાન સમય મુજબ ઇલેકટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી હોવાથી જમાલપુર ખાતે તેનુ ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે પ્રાચી નામનાં કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી લઇ ૮૩.૪૬ લાખની દરખાસ્ત એએમટીએસ કમિટીમાં મુકવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં ચાર્જીંગ સ્ટેશનનાં કામમાં વધારાની કામગીરી તેમજ વધારાની આઇટમ અને ટેન્ડર આઇટમ સિવાયની એકસ્ટ્રા આઇટમ વપરાયાનો દાવો કરીને ૯૨.૫૩ લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જાેકે કમિટીમાંનાં એક સભ્યે આ દરખાસ્ત સામે વાંધો લીધો હતો અને જે તે સમયે કામ કરાવી લઇ દરખાસ્ત મુકાઇ તે સમયે જ વધારાના કામો કરાવ્યાની દરખાસ્ત કેમ ના મુકી તેવો સવાલ કર્યો હતો.