Last Updated on by Sampurna Samachar
એમ્બ્યૂલન્સ ભાજપ ધારાસભ્યની હોસ્પિટલની હોવાના અહેવાલ
અકસ્માતમાં બે લોકોના મોત તો એક ઘાયલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એમ્બ્યૂલન્સે ભયંકર અકસ્માત સર્જાયાના સમાચાર સામે આવ્યા છે. અહીં મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્બુલન્સ કાવડિયાઓના ગ્રૂપ પર ફરી વળી હતી. એટલું જ નહીં સ્કૂટી અને બાઈકને ટક્કર વાગતાં બંને હવામાં ફંગોળાયા હતા. ત્યારે અકસ્માતમાં બે કાવડિયાના મોત અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે.
નાયબ પોલીસ કમિશનરે અકસ્માત અંગે આપેલી માહિતી મુજબ ‘મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કદરાબડા પાસે દિલ્હી-મેરઠ રોડ પર એક રેસ્ટોરન્ટ પાસે અકસ્માત સર્જાયો છે. અહીં રોંગ સાઈડ પર દોડી રહેલી એમ્બ્યુલન્સે એક સ્કૂટી અને એક બાઈકને જોરદાર ટક્કર મારી છે. બંને વાહનો પર કાવડિયા હતા, જેમાંથી બેના મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
લોકોએ હોસ્પિટલ મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ
મીડિયા રિપોર્ટ મુજબ, આ એમ્બ્યુલન્સ ભાજપ ધારાસભ્ય મંજૂ શિવાચની હોસ્પિટલનું હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘વાહન પર સવાર શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગાજળ લેવા માટે હરિદ્વાર જઈ રહ્યા હતા, જ્યારે મેરઠની હોસ્પિટલમાં દર્દીને મૂકી આવ્યા બાદ એમ્બ્યુલન્સ રોંગ સાઈડ પર દોડી રહી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તુરંત દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને ખાનગી મેડિકલ કૉલેજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ડૉક્ટરોએ બેને મૃત જાહેર કર્યા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત છે. એમ્બ્યુલન્સના ડ્રાઈવર મોનુની ધરપકડ કરી લેવામાં આવી છે.’
આ એમ્બ્યુલન્સ જીવન હોસ્પિટલની હોવાનું કહેવાય છે, જે ભાજપ ધારાસભ્ય મંજુ સિવાચના પતિની છે. આ કારણે સ્થાનિક લોકો હોસ્પિટલ મેનેજમેન્ટ અને વહીવટ પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. અકસ્માત બાદ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે.