Last Updated on by Sampurna Samachar
ગુજરાત માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાતિલ ઠંડીનો લોકોને અહેસાસ થઇ રહ્યો હતો. પરંતુ હવે તાપમાન ઉંચુ જતાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતો અનુભવાઈ રહ્યો છે. ગુજરાતમાં જાન્યુઆરીના અંતના દિવસોમાં હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અનેક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી આપવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ ગુજરાતમાં ઠંડી, માવઠા અને પવન અંગે શું કહ્યું છે તે જોઈએ.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. હાલ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા સેવવામાં આવી નથી. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્પષ્ટ રહેશે.
મળતા આંકડા પ્રમાણે, નલિયાનું તાપમાન બે ડિગ્રી જેટલું વધીને ૧૦.૫ ડિગ્રી થયું છે. આ સાથે રાજકોટમાં ૧૫.૪, પોરબંદરમાં ૧૩.૪, ડીસામાં ૧૫.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં ૧૭.૫, ગાંધીનગરમાં ૧૭.૫, વડોદરામાં ૧૯.૨ અને સુરતમાં ૧૮.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
સમગ્ર દેશના હવામાન વિશેની આગાહી પ્રમાણે તમિલનાડુના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય પવનોને કારણે, દરિયાકાંઠાના તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારેથી અતિ ભારે વરસાદ; કેરળ અને માહેમાં ભારે વરસાદ અને દરિયાકાંઠાના તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૨૭, ૨૮, ૨૯મી જાન્યુઆરીએ વાદળછાયું અને કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં ૨૧ થી ૩૦મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા રહેશે. હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે. ૨૪ જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું રહે. જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે.