Last Updated on by Sampurna Samachar
અમરનાથ યાત્રા માટે જમ્મુ કાશ્મીર સરકારનો મોટો નિર્ણય
અમરનાથયાત્રા રૂટ નો ફ્લાઇંગ ઝોન જાહેર કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરનાથયાત્રા ૩ જુલાઇએ શરૂ થવા જઇ રહી છે. ત્યારે આ યાત્રાને લઇને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. યાત્રિકોની સુરક્ષાને લઇને સરકારે મોટો ર્નિણય લીધો છે. સરકારે એલાન કર્યું છે કે જમ્મુ કાશ્મીરે તીર્થયાત્રિકોની સુરક્ષાને મજબૂત કરવા માટે ગૃહમંત્રાલયની સલાહ પર પહલગામ અને બાલટાલ માર્ગ પર હવાઇ પ્રતિબંધ લગાવી દીધા છે. જેને લઇને સમગ્ર રૂટને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરી દીધો છે.
આ પગલુ યાત્રિકોની સુરક્ષા માટે ભરવામાં આવ્યું છે. આગામી અરનાથ યાત્રાને લઇને તમામ પ્રકારની સુરક્ષાને જોતા આ ર્નિણય લેવાયો છે. કેન્દ્ર શાસિક પ્રદેશના ગૃહ વિભાગે પહલગામ અને બાલટાલ બંને માર્ગો સહિત તમામ માર્ગોને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરી દીધો છે. આ પ્રતિબંધ પહલગામ અને બાલટાલ બંને માર્ગોને કવર કરનાર તમામ પ્રકારના એર ડિવાઇસ પર લાગુ પડે છે. જેમાં યુએવી, ડ્રોન અને ફુગ્ગાનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય સશસ્ત્ર અર્ધ સૈનિક દળોની ૫૮૦ કંપનીઓ તૈનાત
આ સુરક્ષા નિર્દેશ ૧ જુલાઇથી ૧૦ ઑગષ્ટ ૨૦૨૫ સુધી લાગુ રહેશે. મહત્વનું છે કે અમરનાથ યાત્રા ૩ જુલાઇથી ૯ ઓગષ્ટ સુધી ચલાશે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ દરમિયાન કોઇપણ પ્રકારની સુરક્ષામાં ચૂક ન રહે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને કારણે આ પગલુ ભરવામાં આવ્યું છે.
જોકે હા, કોઇ ખાસ કારણો જેવા કે મેડિકલ ઇમરજન્સી, આપત્તિ વ્યવસ્થાપન, અથવા સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવતી દેખરેખ કામગીરી દરમિયાન નિયમમાં બાંધછોડ કરવામાં આવી શકે છે. એલજી મનોજ સિંહાએ આ વાત પર ભાર મૂકીને જનતા પાસે સહયોગનું આહ્વાન કર્યું કે અમરનાથ યાત્રા લોકોની યાત્રા છે. પહલગામ હુમલાને ધ્યાને રાખીને સુચારુ અને શાંતિપૂર્ણ સંચાલન કરવા માટે તમામ સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે. કેન્દ્રીય સશસ્ત્ર અર્ધ સૈનિક દળોની ૫૮૦ કંપનીઓ તહેનાત કરી દીધી છે.