Last Updated on by Sampurna Samachar
લિસ્ટ -A ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનાર ભારતીય બેટર બન્યો
16 ઇનિંગ્સમાં આ સિદ્ધી મેળવી રેકોર્ડ તોડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિદર્ભના ઓપનર બેટર અમન મોખડેએ ડોમેસ્ટિક ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ૨૫ વર્ષીય આ યુવા ખેલાડીએ લિસ્ટ -A ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનાર ભારતીય બેટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ તેણે માત્ર ૧૬ ઇનિંગ્સમાં મેળવી છે, જેની સાથે તેણે દેવદત્ત પડિક્કલ અને અભિનવ મુકુંદનો ૧૭ ઇનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વૈશ્વિક સ્તરે પણ મોખડેએ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ગ્રીમ પોલોકની બરાબરી કરી લીધી છે, કારણ કે અત્યાર સુધી દુનિયામાં કોઈ પણ ખેલાડી ૧૬થી ઓછી ઇનિંગ્સમાં આ આંકડા સુધી પહોંચી શક્યો નથી.વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬ની સેમીફાઈનલ મેચમાં કર્ણાટક સામે ૧૩૮ રનની શાનદાર ઇનિંગ રમીને મોખડેએ આ રેકોર્ડ બનાવ્યો હતો. મેચની વાત કરીએ તો, કર્ણાટકે પ્રથમ બેટિંગ કરતા ૨૮૦ રન બનાવ્યા હતા, જેમાં કરુણ નાયરની ફિફ્ટી મુખ્ય હતી.
અત્યાર સુધી કુલ ૮ સેન્ચુરી અને ૫ ફિફ્ટી ફટકારી
વિદર્ભ તરફથી બોલિંગમાં દર્શન નાલકંડેએ ૫ વિકેટ ઝડપીને કર્ણાટકની બેટિંગ લાઈનઅપને રોકી રાખી હતી. ૨૮૧ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમની શરૂઆત નબળી રહી હતી, પરંતુ અમન મોખડેએ ધ્રુવ શોરી અને રવિકુમાર સમર્થ સાથે મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.
અમન મોખડે માટે વર્તમાન ડોમેસ્ટિક સીઝન કોઈ સપના સમાન સાબિત થઈ રહી છે, જેમાં તેણે માત્ર વન-ડે ફોર્મેટમાં જ નહીં પરંતુ ક્રિકેટના તમામ ફોર્મેટમાં રન બનાવ્યા છે. તેની શાનદાર બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ સીઝનમાં તેણે અત્યાર સુધી કુલ ૮ સેન્ચુરી અને ૫ ફિફ્ટી ફટકારી છે. તેણે રણજી ટ્રોફીની માત્ર ૭ ઇનિંગ્સમાં ૫૭૭ રન બનાવ્યા છે, જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ૨૦૬ રન નોંધાવ્યા છે.
ખાસ કરીને વિજય હઝારે ટ્રોફીમાં તેનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી રહ્યું છે, જ્યાં તેણે ૯ ઇનિંગ્સમાં ૭૮૧ રન બનાવ્યા છે. આમ, દરેક ફોર્મેટમાં સાતત્યપૂર્ણ રમત રમીને તેણે પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
આ ધમાકેદાર પ્રદર્શનને કારણે વિદર્ભની ટીમ પ્રથમ વખત વિજય હઝારે ટ્રોફીના ખિતાબની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ૧૮ જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે, જેમાં સૌની નજર ફરી એકવાર આ ફોર્મમાં ચાલી રહેલા બેટર પર રહેશે.