Last Updated on by Sampurna Samachar
ગોપાલ ઈટાલિયા ગુંડાઓ સાથે સ્ટેજ શેર કરે છે
કથિરીયાએ ઈટાલિયાને શિખામણ આપી છે કે બીજા પર આક્ષેપ કરતા પહેલા તેમણે પોતાના પક્ષમાં ડોકિયું કરવું જોઈએ.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ હવે બરાબરનો ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસની મિલીભગત અંગે જે ગંભીર આરોપો લગાવ્યા હતા, તેનો હવે ભાજપ તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.

ભાજપના નેતા અલ્પેશ કથિરીયાએ ગોપાલ ઈટાલિયા પર સીધા શાબ્દિક પ્રહારો કરતા તેમને પહેલા પોતાની પાર્ટીમાં ડોકિયું કરવાની સલાહ આપી દીધી છે. કથિરીયાએ AAP પર સુરતમાં તોડબાજો અને ગુંડાતત્વોને ટિકિટો આપવાનો ગંભીર આરોપ લગાવીને રાજકારણમાં નવો ખળભળાટ મચાવી દીધો છે.
ભાજપ અને કોંગ્રેસનું મોટું ષડયંત્ર
ગોપાલ ઈટાલિયાના આક્ષેપોનો સણસણતો જવાબ આપતા ભાજપના નેતા અલ્પેશ કથિરીયાએ હવે મોરચો સંભાળ્યો છે. તેમણે આમ આદમી પાર્ટીની ટિકિટ વહેંચણી પર સવાલો ઉઠાવતા કહ્યું કે, પાર્ટીએ આવા તોડબાજ અને ગુંડાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
કથિરીયાએ ઈટાલિયા પર વ્યક્તિગત પ્રહાર કરતા ત્યાં સુધી કહ્યું કે, “ખુદ ગોપાલ ઈટાલિયા આવા ગુંડાતત્વો સાથે ફરે છે અને જાહેરમાં મંચ પર પણ તેમની સાથે જ બેઠેલા જોવા મળે છે. બીજા પર આક્ષેપો કરતા પહેલા ઈટાલિયાએ પહેલા પોતાનો પક્ષ જોવો જોઈએ અને પછી જ નિવેદનો કરવા જોઈએ.”
તમને જણાવી દઈએ કે, આ સામસામા શાબ્દિક યુદ્ધની શરૂઆત ગોપાલ ઈટાલિયાના એ નિવેદન બાદ થઈ જેમાં તેમણે કોંગ્રેસને માત્ર વોટ કટવા પાર્ટી કહી હતી. ઈટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની એવી ખરાબ હાલત હતી કે તેમને ઉમેદવારો જ નહોતા મળતા, તેથી AAP ના મતો કાપવા માટે ભાજપે પોતાના ઉમેદવારો કોંગ્રેસને ઉછીના આપ્યા છે. ઈટાલિયાએ આ આખી ઘટનાને ભાજપ અને કોંગ્રેસનું મોટું ષડયંત્ર ગણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના આ સનસનીખેજ આક્ષેપો બાદ જ હવે ભાજપે અલ્પેશ કથિરીયા મારફતે આ વળતો હુમલો કર્યો છે. સુરતનો આ ચૂંટણી જંગ હવે નેતાઓના આવા સામસામા નિવેદનો અને કાદવ ઉછાળવાની રાજનીતિથી વધુ ઉગ્ર અને રસપ્રદ બની ગયો છે.