Last Updated on by Sampurna Samachar
આશ્રમ ચલાવતા મહંત સામે યુવતીના શોષણનો ગંભીર આક્ષેપ
ધાર્મિક જગતમાં ખળભળાટ મચી ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
યાત્રાધામ ડાકોરમાં આશ્રમ ચલાવતા એક મહંત સામે યુવતીના શારીરિક શોષણના અત્યંત ગંભીર આક્ષેપો લાગતા ધાર્મિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. ડાકોરના પ્રખ્યાત ભરતભુવન આશ્રમના મહંત કરણબાપુ પર એક યુવતીના પિતાએ સગીરા જેવી દીકરીનું શોષણ કરવાનો અને અન્ય શિષ્યો પાસે પણ મોકલવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે.

આ મામલે મોરબીમાં રહેતા યુવતીના પિતાએ મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ન્યાયની માંગ કરી છે. પિતાના આક્ષેપ અનુસાર, મહંત કરણબાપુએ તેમની દીકરીનું છેલ્લા ત્રણ વર્ષથી સતત શોષણ કર્યું હતું. આટલું જ નહીં, મહંતે મર્યાદા ઓળંગીને યુવતીને પોતાના અન્ય શિષ્યો સાથે શોષણ કરવા માટે પણ મોકલી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ હકીકત સામે આવતા પિતાએ કાયદાકીય લડત શરૂ કરી છે.
મહંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને ધરપકડની માંગ
ધાર્મિક નગરી ડાકોરમાં આશ્રમ ચલાવતા મહંત સામે આવા ગંભીર આક્ષેપોને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પિતાની અરજીના આધારે મોરબી પોલીસ આ અરજીના આધારે પ્રાથમિક તપાસ કરી રહી છે. પીડિત પક્ષ દ્વારા મહંત વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી અને ધરપકડની માંગ કરવામાં આવી છે. આ આક્ષેપોમાં કેટલી સત્યતા છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ અત્યારે આ ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે.