Last Updated on by Sampurna Samachar
સરપંચોના પ્રતિનિધિમંડળે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો સૂર
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન બાદ જાહેર કરાયેલું કૃષિ સહાય પેકેજ ખેડૂતો માટે અપૂરતું સાબિત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરા તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ એકત્ર થઈને આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી વાસ્તવિક નુકસાન મુજબ વળતર આપવાની માંગ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત દિવસોમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ગોધરા પંથકમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. સરકાર દ્વારા આ નુકસાનીના વળતર રૂપે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતો અને સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે આ સહાયની રકમ નુકસાનના પ્રમાણમાં નહિવત છે.
તાત્કાલિક ધોરણે આ અંગે પુન:વિચાર કરવામાં આવે તેવી માંગ
ખેડૂતોને થયેલા ખર્ચ અને બગડેલા પાકની સામે મળવાપાત્ર સહાય ખૂબ જ ઓછી હોવાથી ધરતીપુત્રોમાં અસંતોષની લાગણી જન્મી છે.આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ગોધરા તાલુકાના સરપંચો મેદાને આવ્યા છે. સરપંચોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, સર્વેની કામગીરી અને સહાયના ધોરણોમાં ક્યાંક કચાશ રહી ગઈ છે. તેમણે માંગ કરી છે કે ખેડૂતોને થયેલા વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં રાખીને સહાયની રકમમાં વધારો કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ અંગે પુન:વિચાર કરવામાં આવે.
આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ખેડૂતોના હિતમાં યોગ્ય ર્નિણય લેવામાં નહીં આવે અને પૂરતું વળતર ચૂકવવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆતો કરવાની ફરજ પડશે. હાલ તો આ મુદ્દે તંત્ર કેવો પ્રતિસાદ આપે છે તેના પર ખેડૂતોની મીટ મંડાયેલી છે.