Last Updated on by Sampurna Samachar
ICC મહિલા વર્લ્ડકપનું આયોજન ૩૦ સપ્ટેમ્બરથી ૨ નવેમ્બર સુધી
ICC એ જાહેર કર્યું વનડે વર્લ્ડ કપનું નવું શેડ્યુલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC એ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ માટે સુધારેલો કાર્યક્રમ જાહેર કર્યો છે. હવે આ વર્લ્ડ કપ દરમિયાન બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાશે નહીં. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનાર મેચો હવે નવી મુંબઈમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની તમામ મેચ નવી મુંબઈ સ્થિત ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
અહીં ત્રણ લીગ મેચ, એક સેમીફાઇનલ અને મહિલા વર્લ્ડકપની ફાઇનલ મેચ પણ અહીં રમાય એવી શક્યતા છે. જો પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચે તો મેચ કોલંબોના આર પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાશે. જણાવી દઈએ કે, બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટની ફાઇનલ કોલંબો અથવા નવી મુંબઈ ખાતે રમાશે
ICC મહિલા વર્લ્ડકપનું આયોજન ૩૦ સપ્ટેમ્બરથી ૨ નવેમ્બર સુધી ભારત અને શ્રીલંકામાં કરવામાં આવવાનું હતું. ડીવાઈ પાટિલ સ્ટેડિયમ સિવાય એસીએ સ્ટેડિયમ (ગુવાહાટી), હોલ્કર સ્ટેડિયમ (ઇન્દોર), એસીએ વીડીસીએ સ્ટેડિયમ (વિશાખાપટ્ટનમ) અને આર. પ્રેમાદાસ સ્ટેડિયમ (કોલંબો)માં મેચ રમાશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત બાદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય રેલી કાઢવામાં આવી હતી. આ વિક્ટ્રી પરેડ દરમિયાન સ્ટેડિયમ બહાર નાસભાગ મચી ગઈ હતી. જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. સાથે જ ૫૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ જસ્ટિસ જોન માઇકલ ડી‘કુન્હાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. જેણે પોતાની તપાસમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને મોટા આયોજન માટે અસુરક્ષિત માન્યું.
આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫માં પહેલી સેમીફાઇનલ ૨૯ ઓક્ટોબરે ગુવાહાટી કે કોલંબોમાં રમાશે. જ્યારે બીજી સેમીફાઇનલ ૩૦ ઓક્ટોબરે નવી મુંબઈમાં રમાશે. જ્યારે ટુર્નામેન્ટની ફાઇનલ ૨ નવેમ્બરે કોલંબો અથવા નવી મુંબઈ ખાતે રમાશે. જો પાકિસ્તાન ટીમ અંતિમ ૪ માટે ક્વોલિફાઇ કરે છે તો તે પહેલી સેમીફાઇનલ કોલંબોમાં રમશે. જો પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચે છે તો, ફાઇનલની મેચ કોલંબોમાં જ રમાશે. જો પાકિસ્તાની ટીમ સેમીફાઈનલમાં નહીં પહોંચી શકે તો તમામ નોકઆઉટ મેચ ભારતમાં જ યોજાશે.