Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝીંકી ભારત સાથે સબંધો બગાડ્યા
ચીનની સરકારે PM મોદીના સ્વાગતની તૈયારી શરૂ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વાંગ યી અને NSA અજીત ડોભાલ વચ્ચે બેઠક યોજાવાની છે, જેમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ માટે ચર્ચા થવાની સંભાવના છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ભારે ટેરિફ ઝિંકી સંબંધો બગાડી રહ્યા છે, તો બીજી તરફ ભારત અને ચીન નજીક આવી રહ્યા હોવાથી વાંગ યી અને ડોભાલની મુલાકાત પર સૌની નજર છે.
ચીનમાં ૩૧ ઓગસ્ટથી શાંઘાઈ સહકાર સંગઠન શિખર સંમેલન યોજાવાનું છે, જેના માટે ચીનની શી જિનપિંગ સરકારે પીએમ મોદીના સ્વાગત માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજીતરફ ભારતમાં વાંગ યી અને ડોભાલ વચ્ચે મહત્ત્વની બેઠક યોજાવાની છે, ત્યારે આ મુલાકાતો બંને દેશોના સંબંધો ફરી સુધારવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી ચીન પહેલા જાપાન મુલાકાત કરશે
ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં ઘર્ષણ થયા બાદ બંને દેશોના સંબંધો ખરાબ થઈ ગયા હતા. આ મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે, અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૫૦ ટકા ટેરિફ ઝિંકતા ભારત-અમેરિકા વચ્ચે સંબંધોમાં તણાવ ઉભો થયો છે. અજિત ડોભાલ ગત વર્ષે ચીનની મુલાકાતે ગયા હતા અને વાંગ યી સાથે સરહદ વિવાદ મુદ્દે ચર્ચા કરી હતી.
આ વર્ષની શરૂઆતમાં ડોભાલ, વિદેશમંત્રી એસ.જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ SCO બેઠક માટે ચીન ગયા હતા. બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારો થયા બાદ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.
ચીનના વિદેશમંત્રી ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સાથે પણ મુલાકાત કરશે. ચીનમાં ૩૧ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે SCO નું વાર્ષિક શિખર સંમલેન યોજાવાનું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લે તેવી સંભાવના છે. રિપોર્ટ મુજબ ચીનની શી જિનપિંગ સરકારે પીએમ મોદીના સ્વાગત માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, પીએમ મોદી ૨૯ ઓગસ્ટે જાપાનના પ્રવાસે જશે, ત્યારબાદ તેઓ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના તિયાનજિન જશે.