Last Updated on by Sampurna Samachar
દીકરીઓને ન્યાય અપાવવામાં આણંદ પોલીસની મોટી કામગીરી
વર્ષ ૨૦૨૪ ના તમામ ૭ કેસોમાં ૧૦૦ % સજાનો દર હાંસલ થયો, આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત પોલીસ વિભાગની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે. આણંદ પોલીસે દીકરી સાથે દુષ્કર્મના કેસમાં પોક્સોના ગુનાઓમાં આરોપીઓને ન્યાય અપાવીને મોટું કામ કર્યું છે. સગીરા પર દુષ્કર્મના કુલ ૭ કેસોમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. આમ, પોક્સોના કેસમાં આણંદ પોલીસે મહત્વનો રોજ ભજવ્યો છે.

આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી.જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ, તત્કાલીન સી.પી.આઈ. (પેટલાદ ડિવિઝન) અને હાલ બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા માર્ચ ૨૦૨૪૪ થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન નોંધાયેલા પોક્સોના ગુનાઓમાં ‘ટોપ ટુ બોટમ‘ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
દીકરીઓને ન્યાય અપાવવાનો સંકલ્પ
આ સચોટ તપાસના પરિણામે તમામ ૭ કેસોમાં ૧૦૦ % સજાનો દર હાંસલ થયો છે અને આણંદ જિલ્લા પોલીસની ટીમે આ ગંભીર ગુનાઓમાં દાખલારૂપ કામગીરી કરી નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ વિશે ટ્વિટ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દીકરીઓને ન્યાય અપાવવાનો સંકલ્પ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર. ચૌધરીના તપાસમાં પોક્સોના ૭ માઁથી ૭ કેસમાં ૧૦૦ ટકા સજા મળી.
આણંદ જિલ્લામાં પોક્સો જેવા સંવેદનશીલ અને ગંભીર અપરાધોની તપાસ કરતા તત્કાલીન CPI (પેટલાદ ડિવીઝન) અને વર્તમાનમાં બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલસી ઈન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી અને તેમની ટીમે નોંધેલ ૭ માંથી ૭ કેસમાં ૧૦૦ ટકા સજા અપાવવાની એક મિસાલ કાયમ કરી છે. તેમાંથી ૬ કેસમાં અપરાધીઓને આજીવન કેદની કડક સજા સંભળાવવામાં આવી છે.
દરેક કિસ્સામાં માત્ર ૪૫ દિવસોની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી, અને ૮-૯ મહિનામાં ચુકાદો સંભળાવાયો. આ ઉપલબ્ધિ તેમની ટીમની નિષ્ઠા, સંવેદનશીલતા અને દીકરીઓને ન્યાય અપાવવાના અતૂટ સંકલ્પનું પરિણામ છે. પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન. તમારી આ પ્રતિબદ્ધતા ન માત્ર સમગ્ર પોલીસ દળ માટે પ્રેરણારુપ છે, પરંતુ રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોના મનમાં સુરક્ષા અને વિશ્વાસ વધુ મજબૂત કરે છે.
અગાઉ બળાત્કારમાં સજા પામેલા આરોપીએ ફરી બળાત્કાર કરતા આરોપીને આજીવન એટલે બાકી રહેલ કુદરતી જિંદગી સુધી કેદની સજા ફટકારી છે. આરોપી રાહુલ ઉર્ફે બોકડો દિલીપભાઈ વાંસફોડીયાને બળાત્કારના ગુનામાં ૨૦ વર્ષની કેદની સજા થઈ હતી. આરોપી વચગાળાના જામીન પર મુક્ત થયેલ હતો તે દરમિયાન તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારી ભોગ બનનારને ગર્ભવતી બનાવી હતી.
સરકારી વકીલ મિનેષ.આર.પટેલે રજૂ કરેલા ૩૧ થી વધુ દસ્તાવેજી પુરાવા અને ૧૩ મૌખિક પુરાવા અને દલીલોને ધ્યાને રાખી કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે.જજ (સ્પે.પોક્સો) કે.એસ.પટેલે ચુકાદો આપ્યો હતો. સાથે જ ભોગ બનનારને રૂપિયા પાંચ લાખ વળતર ચુકવવા હુકમ કરાયો.