Last Updated on by Sampurna Samachar
જાતિય શોષણનો શિકાર બનેલી પિડીતાને ગર્ભપાત કરવાનો અધિકાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અલ્હાબાદ હાઇકોર્ટે જાતીય શોષણનો શિકાર બનેલી પીડિત મહિલાને મેડિકલ રીતથી ગર્ભને સમાપ્ત કરવાનો અધિકાર છે, તેમ પોતાના એક ચુકાદામાં કહ્યું છે. આ સાથે હાઈકોર્ટે કહ્યું કે જાતીય શોષણના મામલામાં કોઇ પણ મહિલાને ગર્ભ સમાપ્ત કરવાથી મનાઇ કરવી અને તેને માતૃત્વની જવાબદારીથી બાંધવી એ તેને સન્માનની સાથે જીવવાના માનવીય અધિકારથી વંચિત કરવા સમાન છે. મહિલાને મા બનવા માટે ‘હા કે ના’ કહેવાનો અધિકાર છે. પીડિતાને જાતીય શોષણ કરનાર વ્યક્તિથી બાળકને જન્મ આપવા માટે મજબૂર કરવી અકલ્પનીય દુખોનું કારણ ગણાશે.
જસ્ટિસ મહેશચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ પ્રશાંત કુમારની બેન્ચે પીડિતાને મેડિકલ રીતથી ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપીને આ ટિપ્પણી કરી છે. ઉત્તરપ્રદેશના ભદોહીની ૧૭ વર્ષીય કિશોરીના પિતાએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં સગીર દિકરીને લાલચ આપીને ભગાડીને બળાત્કાર કર્યો હોવાના આરોપ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે શોધીને પુત્રી પિતાને સોંપી હતી. આ દરમિયાન સગીરાના પેટમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેની મેડિકલ તપાસ કરાવી તો ૧૫ સપ્તાહનો ગર્ભ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આ બાબતને લઈ પીડિતાના પિતાએ સગીરા તરફથી ગર્ભને મેડિકલ રીતથી સમાપ્ત કરવાની માંગ સાથે અરજી કરી હતી. અરજદાર તરફથી કોર્ટમાં વકીલ મનમોહન મિશ્રાએ દલીલ આપી હતી કે અરજદાર(પીડિતા)ની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે.
એ હવે ગર્ભવતી છે. જેનાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ પડી રહ્યો છે. અરજદાર સગીરા હોવાના કારણે એ બાળકની જવાબદારી લેવા ઈચ્છતી નથી. હાઈકોર્ટે પણ કહ્યું કે આ સંબંધિત કાયદાની જોગવાઈ અંતર્ગત જાતીય શોષણ કે બળાત્કારની પીડિતા કે સગીરા હોવા પર ૨૪ સપ્તાહ સુધી ગર્ભપાત કરવાની જોગવાઈ છે. આ સાથે હાઈકોર્ટે તમામ મેડિકલ સુવિધા મફત ઉપલબ્ધ કરાવી અને એક સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે ચીફ મેડિકલ ઓફિસરને સૂચના આપી છે. ભ્રૂણ અને લોહીના નમૂના સાચવી રાખવા પણ કહ્યું છે.