Last Updated on by Sampurna Samachar
પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને છત્તીસગઢમાં ભારે વરસાદનુ અનુમાન
૩૦ ઑક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના
(સંપૂર્ણ સમાચાર સેવા)
બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત મોનથાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. IMD મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે, તેની અસરથી ચેન્નાઈમાં હળવા ઝાપટાં શરુ થઈ ગયા છે, જે ધીમે ધીમે તીવ્ર બની શકે છે.

IMD અનુસાર, મોનથા ચક્રવાતી તોફાનને કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં ૨૭ થી ૩૦ ઑક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવનાને કારણે ભારતીય સેના હાઇ ઍલર્ટ પર છે.
જિલ્લાઓમાં કર્મચારીઓની રજાઓ રદ કરાઇ
૨૮-૨૯ ઑક્ટોબરના રોજ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાથી IMD એ રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી જવાનો અને પૂરનો ખતરો છે, તેથી માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. આંધ્રના ૯ જિલ્લામાં રેડ ઍલર્ટ છે, જ્યારે તમિલનાડુ અને ઓડિશાના બાકીના વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ લાગુ કરાયું છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.

રાજ્યોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. આંધ્ર પ્રદેશમાં કાકીનાડા અને કોનાસિમાના ૩૪ ગામોમાંથી ૬૦૦૦થી વધુ લોકોને (જેમાં ૪૨૮ ગર્ભવતી મહિલાઓ સહિત) સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે અને વેસ્ટ ગોદાવરીમાં શાળાઓ બંધ રહેશે.
ઓડિશાના મલકાનગિરિ, કોરાપુટ સહિત ૮ દક્ષિણી જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરાયા છે અને ત્યાં વાવાઝોડા આશ્રયસ્થાનો બનાવાયા છે. બચાવની ટીમો તૈનાત છે, વિભાગના લોકોની રજાઓ રદ થઈ છે અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
બંગાળની ખાડી ઉપર બનેલું હવાનું હળવું દબાણનું ક્ષેત્ર મજબૂત બન્યું છે અને ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાન ૨૮ ઑક્ટોબરની સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ જવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું કે આ ગંભીર ચક્રવાત આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે. મોનથા વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં ૨૭થી ૩૦ ઑક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને ભારતીય સેના હાઇ ઍલર્ટ પર છે.
ચેન્નાઈથી ૬૦૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, કાકીનાડા(આંધ્ર)થી ૬૮૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, વિશાખાપટ્ટનમથી ૭૧૦ કિમી દૂર, પોર્ટ બ્લેયરથી ૭૯૦ કિમી પશ્ચિમ, ગોપાલપુર(ઓડિશા)થી ૮૫૦ કિમી દક્ષિણમાં હાલ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
તમિલનાડુમાં, આંધ્ર પ્રદેશમાં કાકીનાડા, વિશાખાપટ્ટનમ, મછલીપટ્ટનમ, પુડુચેરી અને ઓડિશાના દરિયાકાંઠે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડમાં આજે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આલપ્પુઝા, એર્નાકુલમ, ઇડુક્કી, ત્રિસૂર, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડ માટે યલો ઍલર્ટ જાહેર છે. આ સાથે જ, માછીમારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ૨૯ ઑક્ટોબર સુધી તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડુચેરી અને ઓડિશાના દરિયાકાંઠાની સાથે-સાથે દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીમાં ન જાય.
ઓડિશા સરકારે રવિવારથી સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનું શરુ કરી દીધું છે અને આઠ જિલ્લાઓમાં ૧૨૮ ટીમો તૈનાત કરી છે. વાવાઝોડું આંધ્રમાં ટકરાશે, પરંતુ ઓડિશાના ૧૫ જિલ્લાઓ પ્રભાવિત થશે. મલકાનગિરિ, કોરાપુટ સહિત આઠ જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ અને તેજ પવનો માટે રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને ૩૦ ઑક્ટોબર સુધી તમામ સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે.