Last Updated on by Sampurna Samachar
અકસ્માતની એક મિનિટ પહેલા પ્લેનનું ટ્રાન્સપોન્ડર બંધ કરાયુ હતુ
અજિત પવારના નિધન મામલે રોહિત પવારના આક્ષેપો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નેતા અજિત પવારના પ્લેન અકસ્માતે હવે નવો વળાંક લીધો છે. તેમના ભત્રીજા રોહિત પવારે દિલ્હી પ્રેસ ક્લબમાં એક પ્રેઝન્ટેશન રજૂ કરીને દાવો કર્યો છે કે આ માત્ર અકસ્માત નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. રોહિત પવારે પાયલટના છેલ્લા શબ્દો, પાયલટના ફેરફાર અને ગાયબ દસ્તાવેજો પર અનેક સવાલો ઉઠાવ્યા છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા તપાસની માંગ કરી છે.

રોહિત પવારે કોકપિટ વોઇસ રૅકોર્ડિંગનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, પાયલટના છેલ્લા શબ્દો Oh Sh** હતા, જે કોઈ મોટી ગરબડ તરફ ઇશારો કરે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે છેલ્લી ઘડીએ મુખ્ય પાયલટ સાહિલ મદાનને બદલીને સુમિત કપૂરને કેમ લાવવામાં આવ્યા? સુમિત કપૂર ભૂતકાળમાં દારૂના સેવનના મામલે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.
રોહિતે કંપનીના મેન્ટેનન્સ રૅકોર્ડ પર સવાલો ઉઠાવ્યા
રોહિતે આક્ષેપ કર્યો કે અકસ્માતની બરાબર એક મિનિટ પહેલા પ્લેનનું ટ્રાન્સપોન્ડર કે જે સુરક્ષા અને ટ્રેકિંગ માટે વપરાય છે, તે બંધ કરી દેવામાં આવ્યું હતું, જે અત્યંત શંકાસ્પદ છે. પ્રેઝન્ટેશનમાં રોહિત પવારે વિમાનના ટેક લોગ અને દૈનિક સુરક્ષા તપાસના દસ્તાવેજો ગાયબ હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત તેમણે પૂછ્યું કે પ્લેનના ઉડાન પહેલા છેલ્લી સહી કોની હતી અને હંગરના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરવામાં આવતા નથી?

આ ઉપરાંત રોહિત પવારે એવી પણ શંકા વ્યક્ત કરી કે શું વિમાનમાં ગેરકાયદેસર રીતે વધારાની ફ્યુઅલ ટેન્ક રાખવામાં આવી હતી, જે બોમ્બની જેમ કામ કરી શકે? રોહિત પવારના જણાવ્યા મુજબ, અજિત પવાર પહેલા રોડ માર્ગે બારામતી જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ પ્લેન દ્વારા જવાનો ર્નિણય કેમ લેવાયો?
પ્લેનની બુકિંગ મોડી રાત્રે કેમ કરવામાં આવી? વધુમાં, પાયલટે સરળ ગણાતા રનવે ૨૯ના બદલે પડકારજનક ટેબલટોપ રનવે ૧૧ પર લેન્ડિંગ કરવાનો આગ્રહ કેમ રાખ્યો, તે પણ એક રહસ્ય છે. વિઝિબિલિટી બરાબર હોવા છતાં આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે રોહિતે કંપનીના મેન્ટેનન્સ રૅકોર્ડ પર પણ સવાલો ઉઠાવ્યા છે.