Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો
આ હૃદયદ્રાવક છે, મારું હૃદય સુન્ન થઈ ગયું: ફડણવીસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના બારામતીમાં એક મોટી વિમાન દુર્ધટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયુ હતું. ત્યારે આ અકસ્માતના સમાચાર સામે આવતા જ બારામતી સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ફડણવીસ પાસેથી આ ઘટના અંગે વ્યક્તિગત રીતે પૂછપરછ કરી હતી. આ વિમાન દુર્ઘટનામાં કુલ છ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારના નિધન પર ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમના સાથી અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, “મહારાષ્ટ્ર માટે આ એક દુર્ભાગ્યપૂર્ણ દિવસ છે. મારા અને સમગ્ર મહારાષ્ટ્ર માટે આ એક દુ:ખદ ઘટના છે. અજિત દાદા પોતાના વચનના પાકા હતા. જ્યારે હું મુખ્યમંત્રી હતો અને તેઓ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે અમે એક ટીમ તરીકે કામ કર્યું. એક ટીમ તરીકે અમે લાડલી બહેન યોજના શરૂ કરી અને અજિત દાદાએ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.”
“મેં એક મજબૂત અને સારા મિત્ર ગુમાવ્યા છે
મુખ્યમંત્રી ફડણવીસે પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી લખ્યું, “દાદા જતા રહ્યા! એક જમીન સાથે જોડાયેલા નેતા, મારા મિત્ર અને સાથી, નાયબ મુખ્યમંત્રી અજિત દાદા પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન હૃદયદ્રાવક છે. મારું હૃદય સુન્ન થઈ ગયું છે. મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી.” તેમણે કહ્યું, “મેં એક મજબૂત અને સારા મિત્ર ગુમાવ્યા છે. આ મારા માટે એક વ્યક્તિગત ક્ષતિ છે. આ એક એવું નુકસાન છે જેની ભરપાઈ થઈ શકતી નથી.
આજનો દિવસ મહારાષ્ટ્ર માટે ખૂબ જ મુશ્કેલ છે. હું દાદાને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના સમગ્ર પરિવાર અને NCP પરિવારના દુ:ખમાં સહભાગી છીએ. આ અકસ્માતમાં વધુ ચાર લોકોના મોત થયા છે. અમે તેમના પરિવારોના દુ:ખમાં પણ સહભાગી છીએ.”
મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. વિમાનમાં સવાર ૫ લોકોના મોતની DGCA એ કરી પુષ્ટી કરી હતી. ડીજીસીએ કહ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત ૫ લોકોના મોત થયા છે.