Last Updated on by Sampurna Samachar
અંતિમ સંસ્કાર બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં થયા
અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના બારામતીમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું હતું. આ દુર્ઘટના લેન્ડિંગના પ્રયાસ દરમિયાન સર્જાઈ હતી. વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, કો-પાઇલટ શાંભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માળી અને પર્સનલ સિક્યોરિટી ઓફિસર વિદીપ જાધવનું મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે.

વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધનથી મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળની AAIB આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
ડેપ્યુટી CM ની ખુરશી હંમેશા અજિત પવાર પાસે જ રહી
અજિત પવારનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. તેમના દીકરા પાર્થ પવાર અને જય પવારે તેમને મુખાગ્નિ આપી હતી. આપને જણાવી દઈએ કે, અજિત પવારની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. તો અજિત પવારના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, NCP-SP ના વરિષ્ઠ નેતા શરદ પવાર, NCP ના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ, પ્રદેશ NCP અધ્યક્ષ સુનીલ તટકરે અને રાજ્યમંત્રી હસન મુશ્રીફ સહિત અનેક નેતાઓ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન પહોંચ્યા હતા.
અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ૩ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. અજિત પવારને મહારાષ્ટ્ર રાજ્યના રાજકારણમાં પ્રભાવશાળી અને નિર્ણાયક નેતા માનવામાં આવતા હતા. અજિત પવારે પોતાની ૪૫ વર્ષની રાજકીય સફરમાં એક વખત સાંસદ, ૭ વખત ધારાસભ્ય અને ૬ વખત ડેપ્યુટી સીએમ તરીકે સેવા આપી.
એટલું જ નહીં, તેઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ બજેટ રજૂ કરનારા નાણામંત્રી પણ રહ્યા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં તેઓ રાજકીય ધુરી માનવામાં આવતા હતા, જેના કારણે મુખ્યમંત્રી ફડણવીસે તેમને પોતાના રાજકીય બેલેન્સ જાળવવા માટે સાથે રાખ્યા હતા.
અજિત પવાર તેમના કાકા શરદ પવારની આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા અને તેમની છત્રછાયામાં રાજકીયની રણનીતિઓ શીખ્યા, પરંતુ સમય જતાં તેઓ મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી નેતા તરીકે ઉભરી આવ્યા.
છેલ્લા ૧૬ વર્ષમાં મહારાષ્ટ્રમાં ગમે તે પક્ષની સરકાર રહી હોય, પરંતુ ડેપ્યુટી સીએમની ખુરશી હંમેશા અજિત પવાર પાસે જ રહી છે. પવાર, પોતાની પાછળ બે પુત્રો જય અને પાર્થ, પત્ની સુનેત્રા સહિત પરિવારને છોડી ગયા છે. તેમના નિધનથી મહારાષ્ટ્રની રાજનીતિને મોટી ખોટ પડી છે. અજિત પવાર છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા.