કાલુપુર રેલવે સ્ટેશનના નવિનીકરણ મામલે મળેલી બેઠકમાં રસ્તાને સિક્સ લેન કરવા સૂચન
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ થઇ રહ્યું છે. જેથી લોકોને વધુ સુવિધા મળી રહેશે અને લોકોને અગવડતા ના પડે તે માટે અદ્યતન પ્રકારે રેવલે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે, રેલવે સ્ટેશનની કામગીરી હાલમાં કયા તબક્કામાં પહોંચી છે. તે બાબતે સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું. આ બાબતે યોજાયેલી મહત્વની બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટર અને નેતા પણ ઉપસ્થિત રહ્યા. જેમાં, કંપનીના અધિકારીઓ તેમજ રેલવેના અધિકારીઓએ કયા પ્રકારનું રેલવે સ્ટેશન બનશે તે બાબતે સમીક્ષા કરી.
આ બેઠક દરમિયાન MLA દિનેશ કુશવાહએ સુચન કર્યું, કે હાલમાં જે ફોર લેન રસ્તો નક્કી કરાયો છે. તેને સિક્સલેન કરવાનું આયોજન કરવું જોઈએ. આ માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા બાબતે પડતી અડચણો બાબતે પણ ચર્ચા કરવામાં આવશે અને તેની રજૂઆત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમારને કરાશે.
આપને જણાવી દઇએ, કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્સલ મોકલવા માટે અલાયદી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. જેનો પ્રવેશ પણ અલગ જ રખાશે. હાલના તમામ પ્લેટફોર્મમાં એક લિફ્ટની વ્યવસ્થા છે. તેની જગ્યા પર હવે ચાર લિફ્ટ અને ચાર એસ્કલેટર બનાવવામાં આવશે. એરપોર્ટ જેવી તમામ વ્યવસ્થા કાલુપુર રેલવે સ્ટેશનમાં જોવા મળશે. ઉપરાંત, બુલેટ ટ્રેન, મેટ્રો, BRTS, AMTS, સહિતની તમામ વાહન ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ એક જ જગ્યા પર ઉપલબ્ધ કરાશે. કાલુપુર, સરસપુર, દરિયાપુર સહિતના વિસ્તારથી અવરજવર કરતા લોકોને તકલીફ ના પડે તે પ્રકારનું આવનારા ૧૫ વર્ષ સુધીનું આયોજન કરાઇ રહ્યું છે.