Last Updated on by Sampurna Samachar
ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ૧૫ ટકાનો ઘટાડો કરવામાં આવશે
વિમાન ક્રેશમાં વિમાનમાં સવાર સહિત સ્થળ આસપાસ લોકો માર્યા ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
TATA ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાએ જાહેરાત કરી હતી કે તે આગામી થોડા અઠવાડિયા માટે તે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા વિમાનોના સંચાલનમાં ૧૫ ટકાનો ઘટાડો કરશે. આ ઘટાડો તાત્કાલિક અસરથી શરુ થયો છે અને જુલાઈ મહિનામાં લાગુ થઈ જશે. નોંધનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટના અને બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરમાં સુરક્ષા તપાસને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર, એર ઇન્ડિયા તેના વાઇડ-બોડી એરક્રાફ્ટ એટલે કે બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર, બોઇંગ ૭૭૭ અને એરબસ ૩૫૦ થી દરરોજ લગભગ ૭૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જોકે, પશ્ચિમી દેશોના રૂટ પર તાજેતરમાં એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઇટનો સમય વધ્યો છે, જેના કારણે વિમાનોની ઉપલબ્ધતા પર અસર પડી છે.
દુર્ઘટના પછી વિમાનોની સુરક્ષા તપાસ કરાઇ
ઉપરાંત ૧૨મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI ૧૭૧ના અકસ્માત પછી બોઇંગ ૭૮૭ વિમાનોની સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે આ વિમાનોની ઉડાન ક્ષમતા મર્યાદિત થઈ ગઈ છે.
બીજી જૂનથી ૧૭મી જૂન દરમિયાન વાઈડ-બોડી એરક્રાફ્ટ સાથે કુલ ૫૪૫ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવાની હતી. તેમાંથી ફક્ત ૪૬૨ ફ્લાઇટ્સ પૂર્ણ થઈ શકી હતી, જ્યારે ૮૩ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ આંકડો ૧૫.૨% રદ કરવાનો દર દર્શાવે છે. આ આંકડાઓના આધારે, એર ઇન્ડિયાએ તેના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે અને નક્કી કર્યું છે કે વર્તમાન ક્ષમતા અનુસાર ૧૫ ટકા ફ્લાઇટ્સ ઘટાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જઈએ કે, અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોના મૃત્યુ થયા હતા. જોકે, એક વ્યક્તિ જીવિત રહી હતી. આ અકસ્માતમાં ન ફક્ત વિમાનમાં સવાર વ્યક્તિઓના મૃત્યુ થયા, પરંતુ જે બિલ્ડિંગ પર વિમાન પડ્યું તેની આસપાસ હાજર લોકોના પણ મોત થયા હતા.