Last Updated on by Sampurna Samachar
૨૪ કલાકમાં એર ઈન્ડિયાની કુલ ચાર ફ્લાઈટ કરાઈ કેન્સલ
મુસાફરોને હાલાકી ન પડે તે માટે રોકાણની વ્યવસ્થા કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ રોજબરોજ ફ્લાઈટમાં ખામીના સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર એર ઈન્ડિયાની કુલ ચાર ફ્લાઈટ ટેક્નિકલ તથા અન્ય કારણોસર ઉડાન ભરી શકી ન હતી.
એર ઈન્ડિયાની દિલ્હીથી પેરિસ, લંડનથી અમૃતસર, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ અને અમદાવાદથી લંડન આવતી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. આ ત્રણેય ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર વિમાન AI -૧૫૯ બપોરે ૧.૧૦ વાગ્યે અમદાવાદથી રવાના થયુ હતું. લંડન પહોંચવાનો સમય સાંજે ૬.૨૫ વાગ્યાનો હતો. જોકે, ફ્લાઈટ ટૅકઑફ થાય તે પહેલાં જ તેમાં ટેક્નિકલ ખામી જોવા મળતાં ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ આપી જાણકારી
આ સિવાય મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ AI ૨૪૯૩ પણ ટેક્નિકલ ખામીના કારણે રદ કરવી પડી હતી. વધુમાં સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટના એક એન્જિનમાં ટેક્નિકલ ખરાબી નોંધાતા કોલકાતાના ઍરપોર્ટ પર વિમાનના સ્ટોપઓવર દરમિયાન મુસાફરોને ઉતારવા પડ્યા હતા. ફ્લાઇટ AI ૧૮૦ સમયસર ૦૦:૪૫ વાગ્યે ઍરપોર્ટ પર પહોંચી, પરંતુ ડાબા એન્જિનમાં ટેક્નિકલ ખરાબીના કારણે ઉડાનમાં મોડું થયું હતું.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ૧૭ જૂનના રોજ દિલ્હીથી પેરિસ જઈ રહેલી ફ્લાઈટ AI ૧૪૩ પણ ટેક્નિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હતી. ટૅકઑફ પહેલાં અનિવાર્ય તપાસમાં એક સમસ્યા મળી આવી હતી. જેથી ફ્લાઈટે ઉડાન જ ભરી ન હતી. હાલ તેને ઠીક કરવાની કામગીરી ચાલી રહી છે. પેરિસ ચાર્લ્સ ડી ગૉલ એરપોર્ટ પર રાત્રિના સંચાલન પર પ્રતિબંધ હોવાથી આ ફ્લાઈટને રદ કરવામાં આવી છે. મુસાફરોને હાલાકી ન નડે તે માટે તેમના રોકાણની વ્યવસ્થા થઈ રહી છે.
એર ઈન્ડિયાની લંડન ગેટવિકથી અમૃતસર આવતી ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. આ રદ કરવા પાછળનું કારણ એરસ્પેસ પ્રતિબંધો અને સાવચેતીના ભાગરૂપે આકરી ચકાસણીના કારણે એરક્રાફ્ટ ઉપસ્થિત ન હોવાનું જણાવ્યું છે. જેથી લંડનથી અમૃતસર આવતી AI ૧૭૦ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.