Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયા પર પોતાના અગવડ વિશે કહી વાત
એર ઇન્ડિયાએ ફ્લાઇટમાં અગવડતા માટે માફી માંગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રિય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલથી દિલ્હી જતી ફ્લાઈટમાં તેમને તૂટેલી સીટ ફાળવવામાં આવતા ટાટાની માલિકીની એર ઈન્ડિયા (AIR INDIA ) ની આકરી ટીકા કરી હતી. તેમણે પોતાના અનુભવને અનૈતિક ગણાવતા ધ્યાન દોર્યું કે એરલાઈન પૂરા ચાર્જીસ વસૂલતી હોવા છતાં અગવડદાયક બેઠક પૂરી પાડે છે.

શિવરાજસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કરતા લખ્યું કે તેમની સીટ ૮ C તૂટેલી અને ખૂંપી ગયેલી હોવાથી તેમના માટે બેસવું પણ મુશ્કેલ હતું. જ્યારે તેમણે આ મુદ્દો ક્રુ સમક્ષ ઉપસ્થિત કર્યો ત્યારે ક્રુએ કબૂલ કર્યું કે મેનેજમેન્ટને પહેલેથી આ સમસ્યા વિશે જાણકારી આપી હતી.
સહપ્રવાસીઓએ ચૌહાણને પોતાની સીટ ઓફર કરવા છતાં તેમણે ક્ષતિગ્રસ્ત સીટ પર જ પોતાની સફર પૂરી કરવાનું નક્કી કર્યું. તેમણે હતાશા વ્યક્ત કરતા કહ્યું કે ટાટાની માલિકી છતાં એર ઈન્ડિયાની સેવામાં સુધારો નથી થયો અને એરલાઈન આ બાબતે સુધારો કરશે કે પછી પ્રવાસ કરવાની તાત્કાલિક જરૂર હોય તેવા પ્રવાસીઓનું શોષણ કરવાનું ચાલુ રાખશે તેવો સવાલ ઉપસ્થિત કર્યો.
ચૌહાણની સોશિયલ મીડિયા પોસ્ટ પછી સિવિલ એવિયેશન મંત્રી કે.રામમોહન નાયડુએ તાત્કાલિક એર ઈન્ડિયાને જરૂરી પગલા લેવાની તાકીદ કરી જ્યારે DGCA એ આ બાબતે એરલાઈન પાસેથી અહેવાલ માંગ્યો.
એર ઈન્ડિયાએ ત્યાર પછી અગવડ માટે માફી માંગી અને ભાવિમાં આવા બનાવો ન બને તેના માટે આંતરિક તપાસનો આદેશ આપ્યો. ચૌહાણે સ્પષ્ટતા કરી કે તેમની ચિંતા અંગત અગવડની નહોતી પણ પ્રવાસીઓને સ્પર્શતા વ્યાપક મુદ્દા બાબતે હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે એરલાઈન્સે તેમના ચાર્જની બદલીમાં પ્રવાસીઓને યોગ્ય સેવા આપવી જ જોઈએ. આ ઘટનાએ નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કર્યું જેના પરિણામે એર ઈન્ડિયાએ જાહેરમાં ફરિયાદની નોંધ લેવી પડી અને સુધારાત્મક પગલા લેવાની ખાતરી આપવી પડી.