Last Updated on by Sampurna Samachar
મુસાફરો હવે ૨૦ કિગ્રાના બદલે ૩૦ કિગ્રા સામાન સાથે લઈ જઈ શકશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
એર ઈન્ડિયા એક્સપ્રેસે અમુક દેશોની મુસાફરી માટે ફ્રી લગેજ પોલિસીમાં ફેરફારો કર્યા છે. જેમાં મધ્ય-પૂર્વ અને સિંગાપોર જતાં મુસાફરો હવે ૨૦ કિગ્રાના બદલે ૩૦ કિગ્રા સામાન સાથે લઈ જઈ શકશે. જેમાં સાત કિગ્રા કેબિન બેગેજ લઈ જવા પણ મંજૂરી આપી છે.
એર ઈન્ડિયાએ બાળક સાથે મુસાફરી કરતાં મુસાફરો માટે ૭ કિગ્રા કેબિન બેગેજ સાથે ૪૭ કિગ્રા સુધી સામાન લઈ જવા મંજૂરી આપી છે. બાળકના સામાન માટે વધારાનું ૧૦ કિગ્રા વજન મળશે. વધુમાં એરલાઈને એક્સપ્રેસ બિઝ ક્લાસમાં મુસાફરી કરતાં લોકોને ૪૦ કિગ્રા બેગેજ અલાઉન્સ આપવાની મંજૂરી આપી છે. જે બિઝનેસ ક્લાસમાં મળતી સુવિધાને સમકક્ષ છે.
મુસાફરો નવી એક્સ્ટ્રા કેરિ-ઓન સર્વિસ સાથે વધારાનું ત્રણ થી પાંચ કિગ્રા કેબિન બેગેજ લઈ જઈ શકશે. વધુમાં મ્યુઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. જોકે, કેબિન બેગેજની સાઈઝ મર્યાદા મુજબ સામાન લઈ જવો જરૂરી છે. તેનાથી મોટા ઈન્સ્ટ્રૂમેન્ટ પર સ્પેશિયલ ચાર્જ વસૂલાશે. કેબિન બેગેજ પોલિસીમાં થયેલા ફેરફારો હેઠળ મુસાફરો બે કેબિન બેગેજ લઈ જઈ શકશે.
પરંતુ બંનેનું સંયુક્ત વજન સાત કિગ્રા હોવુ જરૂરી છે. જેમાં લેપટોપ બેગ, હેન્ડબેગ, બેકપેક અને નાની સાઈઝની બેગ સમાવિષ્ટ છે. કેબિન બેગેજની સાઈઝ ૪૦ સેમી ૩૦ સેમી ૧૦ સેમીથી વધુ હોવુ જોઈએ નહીં. કેબિન બેગેજ સામેની સીટ પર નીચે આરામથી ફીટ થઈ શકે તે મુજબ જ હોવી જોઈએ.