Last Updated on by Sampurna Samachar
ઓપરેશન સિંદૂરનું ફોર્મેશન પણ ફ્લાયપાસ્ટનો ભાગ હશે
૨૬મી જાન્યુઆરીએ જોવા મળશે ઓપરેશન સિંદૂરની ઝલક
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ઓપરેશન સિંદૂરના વિજયનો જયઘોષ કર્તવ્ય પથના આકાશમાં સંભળાશે. ભારતીય વાયુસેનાના ફ્લાયપાસ્ટમાં ફાઇટર એરક્રાફ્ટ નવા સિંદૂર ફોર્મેશનમાં ઉડતા જોવા મળશે. આ ફાઇટર એરક્રાફ્ટમાં રાફેલ, સુખોઈ, મિગ-૨૯ અને જગુઆરનો સમાવેશ થાય છે.

વાયુસેનાના જણાવ્યા અનુસાર, ૨૬ જાન્યુઆરીના રોજ ફ્લાયપાસ્ટ ધ્વજ ફોર્મેશન સાથે શરૂ થશે. આ ફોર્મેશનમાં ચાર Mi-17 હેલિકોપ્ટર ભાગ લેશે. અગ્રણી હેલિકોપ્ટર રાષ્ટ્રીય ધ્વજ વહન કરશે, અને બાકીના ત્રણ આર્મી, એરફોર્સ અને નેવીના ધ્વજ વહન કરશે. બીજું ફોર્મેશન પ્રહાર ફોર્મેશન હશે. પ્રહાર ફોર્મેશનમાં ત્રણ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર હશે. આમાંથી એક હેલિકોપ્ટર ઓપરેશન સિંદૂર ધ્વજ વહન કરશે.
વાયુસેનાના લશ્કરી બેન્ડમાં અગ્નિવીરોનો સમાવેશ
વાયુસેનાના વિંગ કમાન્ડર રાજીવ દેશવાલે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી આ પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે. તેથી, ઓપરેશન સિંદૂરનું ફોર્મેશન પણ ફ્લાયપાસ્ટનો ભાગ હશે. ફ્લાયપાસ્ટમાં એક ખાસ સ્પીઅરહેડ ફોર્મેશન હશે.
આ સ્પીઅરહેડ ફોર્મેશનમાં બે રાફેલ, સુખોઈ અને મિગ-૨૯ ફાઇટર જેટનો સમાવેશ થશે. આ ફોર્મેશનમાં એક જગુઆર ફાઇટર જેટ પણ જોવા મળશે. આ ચાર ફાઇટર જેટ એવા છે જેમણે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરમાં ભાગ લીધો હતો. પહેલગામ હત્યાકાંડ પછી, ભારતીય વાયુસેનાના રાફેલ અને સુખોઈ ફાઇટર જેટે ઓપરેશન સિંદૂર (૭-૧૦ મે) દરમિયાન પાકિસ્તાનથી કાર્યરત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના મુખ્ય મથક સહિત પાકિસ્તાની વાયુસેનાના ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
વિંગ કમાન્ડર દેસવાલના જણાવ્યા મુજબ, આ વર્ષનો ફ્લાયપાસ્ટ બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કો વાયુસેનાના માર્ચિંગ ટુકડીના કર્તવ્ય પથ પર માર્ચ દરમિયાન થશે, જેમાં સિંદૂર ફોર્મેશનનો સમાવેશ થશે. બીજાે તબક્કો કર્તવ્ય પથ પર માર્ચ પાસ્ટ પૂર્ણ થયા પછી થશે. આ તબક્કામાં રાફેલ ફાઇટર જેટ મુખ્ય આકર્ષણ રહેશે.
વાયુસેનાના માર્ચિંગ ટુકડીમાં ૧૧૪ વાયુ યોદ્ધાઓ હશે, જેનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર જગદેશ કુમાર કરશે. ધ્વજવંદન સમારોહ દરમિયાન ફ્લાઇટ લેફ્ટનન્ટ અક્ષિતા ધનખર રાષ્ટ્રપતિ સાથે રહેશે. પહેલીવાર, વાયુસેનાના લશ્કરી બેન્ડમાં અગ્નિવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં પુરુષ અને મહિલા અગ્નિવીર બંનેનો સમાવેશ થાય છે.